રાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા

  • April 23, 2025 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના દસ જેટલા વ્યક્તિઓ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા, જેમાંથી ચાર લોકો રૂચિબેન નકુમ, કુલદીપસિંહ નકુમ, રાજદીપસિંહ વાઘેલા અને તેમના પત્ની વૈશાલીબેન વાઘેલા શ્રીનગરની એક હોટલમાં સુરક્ષિત છે અને બે દિવસ બાદ ફ્લાઈટ મારફતે પરત ફરશે. અન્ય ચાર પ્રવાસીઓ જયદીપસિંહ પારેખ, નીતાબેન પારેખ, મહેન્દ્રભાઈ મહેતા અને તેમના પત્ની મયુરીબેન મહેતા પણ શ્રીનગરમાં સુરક્ષિત છે અને બે દિવસ બાદ ગુજરાત આવવા રવાના થશે. આ ઉપરાંત હેત માકડ નામના એક યુવાન પણ તેના મિત્રો સાથે જમ્મુ-કાશ્મીર ગયો હતો અને હાલ તે પણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.


રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને નાયબ કલેક્ટર સહિત ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા લોકો અને રાજકોટમાં તેમના પરિવારો સાથે સંપર્કમાં છે. કલેક્ટરના આદેશથી મામલતદારને તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારોના ઘરે મોકલવામાં આવ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી.


આ કૃત્ય કરનારા ગુનેગારોને સખત સજા આપવાની વિનંતી 

ગઈકાલે પહેલગામમા થયેલા ત્રાસવાદી હુમલાની ઘટનાની ભયાનકતા વર્ણવતા રાજકોટના પ્રવાસી રુચિ નકુમે જણાવ્યું હતું કે આ હુમલો અત્યંત દુ:ખદ છે અને તેઓ પણ ખૂબ જ ગભરાયેલા છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ કૃત્ય કરનારા ગુનેગારોને સખત સજા આપવાની વિનંતી કરી છે.


ઘણા પ્રવાસીઓએ પોતાની પ્રવાસ યોજનાઓ રદ કરી દીધી

હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ તંગ બની ગઈ છે અને તમામ ફરવાના સ્થળોને મિલિટ્રી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. જમ્મુથી કાશ્મીરની ફ્લાઈટના ભાડામાં પણ આસમાને આંબતો વધારો થયો છે, જે વ્યક્તિ દીઠ  25,000થી 35,000 સુધી પહોંચી ગયો છે. ઘણા પ્રવાસીઓએ પોતાની પ્રવાસ યોજનાઓ રદ કરી દીધી છે અને તેઓ હવે વતન પરત ફરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.


રાજકોટના પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો 

જોકે, પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ ઓછી નથી. મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે, જ્યારે ટ્રેન અને ફ્લાઈટમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. રુચિ નકુમે પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ ખૂબ જ ડરેલા છે અને તેમના પરિવારજનો પણ તેમની સલામતી માટે ચિંતિત છે. હાલ તેઓ સુરક્ષિત સ્થળે છે અને વતન પરત ફરવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાએ રાજકોટના પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application