કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી એક ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરના ૫૭ એરપોર્ટ માટે વિવિધ જનસુવિધાઓનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજકોટવાસીઓ માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને એર કાર્ગો ટર્મિનલ જેવી મહત્વની ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. વધુમાં, અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેની તપાસ ચાલુ છે અને આગામી ટૂંક સમયમાં તેનો વિગતવાર રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
એરપોર્ટ પર મળશે સસ્તો નાસ્તો અને ફ્રી વાઇ-ફાઇ
મંત્રીએ લોકાર્પણ દરમિયાન જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધા માટે દેશના ૧૧ એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કેફે’ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ આ સુવિધા શરૂ થતા હવે મુસાફરોને એરપોર્ટ પર માત્ર ₹૧૦માં ચા અને ₹૨૦માં કોફી તથા સમોસા જેવો નાસ્તો મળી રહેશે. આ ઉપરાંત, ૫૦ એરપોર્ટ પર ફ્રી વાઇ-ફાઇ ઝોન, ૧૬ ફ્લાયબ્રેરીઝ (પુસ્તકાલય), ૧૦ કિડ્સ પ્લે ઝોન અને ૮ એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી માટે 'ડીજી યાત્રા'ની સુવિધા જનતાને સમર્પિત કરવામાં આવી હતી.
રાજકોટ માટે મોટી જાહેરાતો: ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને કાર્ગો ટર્મિનલ
રાજકોટના વેપારીઓ અને વિદેશ વસતા ગુજરાતીઓની લાંબા સમયની માંગણી સંતોષતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટથી વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તે માટે ઇમિગ્રેશન પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજકોટના જૂના ટર્મિનલ બિલ્ડિંગ ખાતે એર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ રામભાઈ મોકરિયાએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને પુરુષોત્તમ રૂપાલાએ કાર્ગો સર્વિસની પ્રબળ રજૂઆત કરી હતી.
આગામી ૧૦ વર્ષનો રોડમેપ: ૧૦૦ નવા એરપોર્ટ
કેન્દ્ર સરકારના એવિએશન સેક્ટરના વિઝન અંગે વાત કરતા રામમોહન નાયડુએ કહ્યું કે, એવિએશન વિભાગ માટે ₹૨૯,૦૦૦ કરોડની મંજૂરી મળી ચૂકી છે. આગામી ૧૦ વર્ષમાં દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ખાસ કરીને નોર્થ-ઈસ્ટના વિસ્તારોમાં ૨૦૦ હેલિપેડ બનાવવાનું લક્ષ્ય છે.
ગલ્ફ સંકટ અને એર ઇન્ડિયા દુર્ઘટના પર નિવેદન
ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર અંગે મંત્રીએ સ્વીકાર્યું હતું કે એર સ્પેસ બંધ થવાને કારણે સિવિલ એવિએશનને અસર પહોંચી છે. જોકે, ભારત સરકારે ‘ઓપરેશન’ મારફતે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને સુરક્ષિત પરત લાવ્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાઓના લોકાર્પણથી સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી વધુ સુવિધાજનક અને આર્થિક રીતે સસ્તી બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.