રાજકોટમાં ગોંડલ રોડ પર સોમવારના બપોરના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે ઈકો ગાડીને ધડાકાભેર ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા થાનગઢના વૃદ્ધાનું પણ સારવાર દરમિયાન મોત થતા અકસ્માતમાં મૃતાંક વધીને ત્રણ થયો છે.
અકસ્માતની આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલથી લૌકિક પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા થાનગઢના પાટડીયા પરિવારની ઈકો કારને ટાટા મોટર્સના શોરૂમ પાસે સામેથી આવતી સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં થાનગઢના રહેવાસી બે સગા ભાઈઓ ૭૦ વર્ષીય શામજીભાઈ નરશીભાઈ પાટડીયા અને ૬૦ વર્ષીય મગનભાઈ નરશીભાઈ પાટડીયાના મોત થયા છે. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગીતાબેન શામજીભાઇ પાટડીયા(ઉ.વ.૬૦) ને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ગીતાબેને પણ દમ તોડી દેતા અકસ્માતની આ ઘટનામાં મૃતાંક ત્રણ થયો છે.
ગીતાબેનને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. ગીતાબેનના પતિ શામજીભાઇ થાનમાં લેથનું કામ કરતા હતાં. શામજીભાઇના માસીયાઇ ભાઇનું અવસાન થતા પરિવાર ગોંડલ કારજમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં પતિ બાદ પત્નીનું પણ સારવાર દરમિયાન મોત થતા પાટડીયા પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો ગાડીનો કુરચો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં ગીતાબેન શામજીભાઇ પાટડીયા, હંસાબેન મગનભાઈ પાટડીયા (થાનગઢ), સરસ્વતીબેન જાગાણી (રાજકોટ), ઉષાબેન પાટડીયા (રાજકોટ), સાહિલ યાકુબ કુરેશી અને મહેબૂબભાઈ અંસારીને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે.