વિતેલા વર્ષમાં માવઠાનો માર ખેડુતોને ચિંતામાં મુકી દીધા અને હવે નવા વર્ષમાં ઉઘાડ જોવા મળ્યો છે, ગઇકાલે તા.૩૧ ડીસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસે એક જ દિવસમાં લોકોએ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો, હાલારના પાંચ તાલુકા દ્વારકા, કાલાવડ, કલ્યાણપુર, ખંભાળીયા અને જામજોધપુરના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડયો હતો જેને કારણે કેટલાક સ્થળોએ હવે પાકને નુકશાન થવાની ભીતી સર્જાઇ છે, એક તરફ વર્ષનો આખરી દિવસ અને બીજી તરફ વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાથી લોકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે અને લઘુતમ તાપમાન ૧૩.૫ ડીગ્રીએ પહોંચ્યું હતું.
હવામાન ખાતાની આગાહી મુજબ આજે હવામાન સુકુ રહેશે અને ઠંડીમાં આંશીક વધારો થશે, ગઇકાલે સલાયા, ચુડેશ્ર્વર, ગોઇંજ, ખંભાળીયા, દ્વારકા, બરડા પંથક, ભાટીયા, રાવલ, કેનેડી, રકકા અને ખટીયા, દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી, હંજડાપર, મોવાણ, છાત્રાણા, પીપરટોડા, સોનારડી, જુવાનપર, નારણપર, દડીયા, લાલપુર રોડ, ખંભાળીયા રોડ, કાલાવડ પંથકના ગામડા, જામજોધપુર પંથકના ગામડા સહિતના ગામોમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતાં. ગઇકાલે વિચીત્ર અનુભવ થયો હતો, એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુનો લોકોએ અનુભવ કર્યો હતો. આખો દિવસ ઠંડો પવન ફુંકાયો હતો, દ્વારકામાં પણ આવેલા સહેલાણીઓએ વરસાદી ઝાપટાનો અનુભવ કર્યો હતો.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫ થી ૨૦ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
પોષ મહીનામાં ઝાપટા પડતા શિયાળુ પાકને નુકશાન થશે તેવી શકયતા જોવા મળે છે, પાકમાં ફુગ લાગશે, કેટલાક સ્થળોએ કપાસમાં ઇયળ આવવાની પણ શકયતા છે, મગફળીમાં પણ મુંડા આવવાની પણ શકયતા છે, આમ માવઠાથી કૃષિ પાક બગડવાની શકયતા હાલ તો જોવા મળે છે.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી. ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે.