રાજકોટથી શ્રદ્ધાળુઓને માધવપુરના મેળામાં લઈ જવા વહીવટી તંત્ર દ્વારા 70 બસોની વ્યવસ્થા, પહેલી એપ્રિલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બસો ઉપડશે

  • March 30, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્ર સુદ નવમી, ૩૦મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમ અને “એક ભારત અને શ્રેષ્ઠ ભારત”ના પ્રતીક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આ રાષ્ટ્રીય મેળામાં નિઃશુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ૭૦ બસોની વ્યવસ્થા કરી છે. પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુર જવા માટે આ બસો ઉપડશે. 


રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને ૧૦ બસો, ગોંડલ પ્રાંતને ૧૪ બસો, જેતપુર પ્રાંતને ૧૮ બસો, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે ૨૮ બસો ફાળવવામાં આવી છે. મેળામાં જવા માટે અત્યાર સુધીમાં ૧૪૩૯ જેટલા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત શહેરની વિવિધ હવેલીઓ, ઈસ્કોન મંદિર, મુરલી મનોહર મંદિર, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મેળામાં જવા માટે ઉત્સુક છે. આ માટે જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીઓ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થાઓના અગ્રણીઓએ આ રાષ્ટ્રીય મેળામાં જવા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો. 


મહત્ત્વનું છે કે, માધવપુરના મેળા માટે રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી તેમજ પ્રાંત-૨ અધિકારી સંદીપ વર્માને ફીલ્ડ ડ્યૂટી સોંપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકને કંટ્રોલરૂમની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની મુસાફરીની સુગમતા માટે નાયબ મામલતદારો તેમજ વિવિધ ક્લાર્કને પણ ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત બસ દીઠ સુપરવાઈઝર પણ મુકવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application