અભિનેત્રી રાન્યા રાવએ 1 વર્ષમાં 30 વખત દુબઈની યાત્રા કરી

  • March 06, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કન્નડ અભિનેત્રી રાન્યા રાવના સોનાની દાણચોરીના કેસની તપાસ ચાલુ છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મળેલા સોના ઉપરાંત તેના ઘરમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ પણ મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ છે. ઉપરાંત તે આ પ્રવૃત્તિ દ્વારા લાખો રૂપિયા કમાતી હતી. જોકે આ અંગે સત્તાવાર માહિતી નથી મળી.


અહેવાલમાં ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે 33 વર્ષીય રાવ લાંબા સમયથી એજન્સીના રડાર પર હતી. સોમવારે એક બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈ અધિકારીઓનું કહેવું છે કે તે 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેના કારણે તેના પર શંકા થઇ હતી.


એવું કહેવાય છે કે રાવ જ્યારે પણ બેંગલુરુ પાછી ફરતી ત્યારે તેણે મોટી માત્રામાં સોનું પહેરેલું જોવા મળતું હતું. ગયા વર્ષે તે ૩૦ વખત દુબઈ ગઈ હોવાનું કહેવાય છે અને દરેક વખતે અનેક કિલો સોનું લઈને પાછી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાવે દરેક ટ્રીપમાંથી 12 થી 13 લાખ રૂપિયા કમાયા હોવાના અહેવાલ છે. સૂત્રોના હવાલાથી અહેવાલો અનુસાર, રાવને દાણચોરી દ્વારા લાવવામાં આવતા દરેક 1 કિલો સોના માટે 1 લાખ રૂપિયા મળતા હતા.


અધિકારીઓને તેની પાસેથી 14.2 કિલો સોનું મળ્યું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અધિકારીઓને તેના કપડાંમાં છુપાયેલું સોનું મળ્યું. અભિનેત્રી તેના પતિ જતીન હુક્કેરી સાથે વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કારણે એજન્સીના રડાર પર આવી હતી. અહેવાલ મુજબ, રાવ કથિત રીતે તેના શરીરના વિવિધ ભાગો, જેમાં તેની જાંઘ અને કમરનો સમાવેશ થાય છે તેના પર સોનું ચોંટાડીને લાવતી હતી.


ઉપરાંત, તે પોતાના કપડાંમાં સોનું છુપાવતી હતી. પોલીસ એસ્કોર્ટની મદદથી તેણીએ ઘણી વખત એરપોર્ટ પર સુરક્ષા તપાસ ટાળી હોવાનું કહેવાય છે. સોમવારે પણ તેણે એક પોલીસ કોન્સ્ટેબલ સાથે આવો જ પ્રયાસ કર્યો હતો. જોકે, પછી ડીઆરઆઈએ તેને સોના સાથે રંગે હાથે પકડી લીધી. ધરપકડ બાદ, તેને નાગવારા સ્થિત ડીઆરઆઈ ઓફિસમાં લઈ જવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.


ધરપકડ બાદ, અધિકારીઓએ રાવના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા હતા. જ્યાંથી 2.06 કરોડ રૂપિયાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન, રાવે દાવો કર્યો છે કે તેને દાણચોરી કરવા માટે બ્લેકમેલ કરવામાં આવી હતી. તેની સાથે જ પોલીસે બસવરાજ નામના કોન્સ્ટેબલની પણ અટકાયત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application