છરીના ઘા ઝીંકી પૂર્વ પત્નીની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ, દંડ

  • May 12, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લગ્નના છ માસમાં જ છૂટાછેડા બાદ ફરી સંબંધો રાખવા કેટરર્સના કામે ગયેલી પૂર્વ પત્નીનો પીછો કરી પાર્ટી પ્લોટ બહાર બોલાવી છરીના ઘા ઝીંકી હત્યાના સાત વર્ષ પહેલા ના કેસમાં પૂર્વ પતિને અદાલતે આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આંબેડકનગરમાં રહેતી દીપિકાબેન રમેશભાઈ સોલંકીના રાજકોટમાં જ રહેતા અશ્વિન ડાયાભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા, તેમાં દંપતી વચ્ચે અણબનાવ બનતા છે માસમાં જ વર્ષ 2018માં છુટાછેડા થઈ ગયા હતા. છુટાછેડા બાદ દીપિકાબેન સોલંકી તેની બહેન આસ્થાબેન સોલંકી સાથે તા.11/ 3/ 2018ના રોજ કાલાવડ રોડ ઉપર આવેલ જે.એસ. પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામે ગઈ હતી ત્યારે પૂર્વ પતિ અશ્વિન પરમાર રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં જે.એસ. પાર્ટીપ્લોટ ખાતે દીપિકાબેનને ફોન કરી બહાર બોલાવતા દિપીકાબેન તેની નાની બહેન આસ્થાબેન સાથે પાર્ટી પ્લોટની બહાર આવી હતી. ત્યારે સંબંધો ચાલુ રાખવા બાબતે ઝઘડો કરી ઝઘડો અશ્વિને દિપીકાબેન ઉપર છરીથી હુમલો કરી વાંસા અને પેટના ભાગે છરીના ચાર જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી દીપિકાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકમાં દીપિકાબેન પરમારની માતાની ફરિયાદથી અશ્વિન પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા નજરે જોનાર સહિત કુલ 17 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા રિક્ષામાં ઇજાગ્રસ્ત દીપિકાબેને સારવાર માટે લઈ ગયેલા રીક્ષાચાલક સાથે ગંભીર ઇજાગ્રસ્ત દીપિકાબેન ની વાતચીતને તેનું મરણોન્મુખ ગણવાની, તેમજ બનાવ વખતે સાથે રહેલી નાની બહેનનું નિવેદન નજરે જોયા સાહેદ તરીકે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદી પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે પૂર્વ પત્નીના હત્યારા આરોપી અશ્વિન ડાયાભાઇ પરમારને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને મૂળ ફરિયાદી વતી યુવા એડવોકેટ વિવેક એન. સાતા રોકાયા હતા.


જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની સજાની સવા શતાબ્દી

રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે એસ. કે. વોરાએ તેમના ૯ વર્ષના કાર્યકાળમાં આ ૧૨૫મા કેસમાં તેમજ છેલ્લા સવા વર્ષના સમયગાળામાં ૨૫ સજાની ઉપલબ્ધી મેળવી હોવાનું જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application