BREAKING NEWS

પત્નીના પૂર્વ પ્રેમીની માતાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

  • May 23, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના નવાગઢ બળદેવધાર વિસ્તારમાં પત્ની સાથે અગાઉના પ્રેમસંબંધ બાબતે ડખામાં સમાધાન માટે માંગેલા રૂપિયા બે લાખ આપવાની ના પાડનાર પૂર્વ પ્રેમીની માતાની છરીના ઘા ઝીંકી હત્યાના ચાર વર્ષ પહેલાના કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપી મુન્ના કનુભાઈ પટોળીયાને આજીવન કેદ અને દંડ સહિતની સજાનો હુકમ કર્યો છે.આ અંગે ફરિયાદ પક્ષનાં કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, જેતપુરના નવાગઢ બળદેવધાર, ગણપતિ દાદાના મંદિરની પાછળનાં ભાગે, રહેણાંક મકાન વિસ્તારમાં રહેતા ફરિયાદી વિધાનભાઈ ભરતભાઈ સોલંકીને આરોપી મુનાભાઈ કનુભાઈ પટોલીયાની પત્નિ સાથે અગાઉ પ્રેમસંબંધ હતો અને તે પ્રેમસંબંધની જાણ મુન્નાને થતાં, આ બાબતે વિધાન અને મુન્ના ફર વચ્ચે જે તે વખતે બોલાચાલી થયેલ અને તેમાં સમાધાન પણ થઈ ગયેલ, જે સમાધાનમાં નકકી થયેલ રકમ રૂપિયા બે લાખ આપવાની વિધાન સોલંકીના મમ્મી પાસે મુન્નાએ માંગણી કરતાં વિધાનના મમ્મીએ મુન્નાને રૂપિયા આપવાની ના પાડતાં, જેનો ખાર રાખી જે અંગે ગઈ તા. ૦૧/ ૧૧/ ૨૦૨૨ નાં રોજ રાત્રિનાં આશરે પોણા દસેક વાગ્યાનાં અરસામાં મુન્નાએ ફરિયાદીના મમ્મીને મારી નાંખવાના ઇરાદે છરી વડે મરણ જનારનાં છાતીના ભાગે બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. તે અંગે ફરિયાદી વિધાન ભરતભાઈ સોલંકી ની ફરિયાદના આધારે જેતપુર પોલીસે આરોપી મુન્નાભાઈ કનુભાઈ પટોળીયા વિરુદ્ધ ઈ. પી. કોડની કલમ-૩૦૨, ૩૧૬ તથા જી. પી. એક્ટની કલમ-૧૩૫ મુજબની દાખલ કરવામાં આવેલ. બનાવની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ દરમિયાન સ્થાનિક જગ્યાનુ પંચનામુ કરેલ, તપાસ દરમિયાન જરૂરી - પંચનામાઓ કરવામાં આવેલ, જરૂરી મુદ્દામાલ કબજે લેવામાં આવેલ, મૃતકનું શબ પરિક્ષણ કરવામાં આવેલ, મુદ્દામાલ કબજે કરેલ તેમજ લાગતા વળગતા સાહેદોનાં નિવેદનો નોંધી લઈ સમગ્ર તપાસના અંતે આરોપી વિરૂદ્ધ પૂરતો પુરાવો મળી આવતાં ઈ. પી. કોડની કલમ-૩૦૨, ૩૧૬ તથા જી. પી. એકટની કલમ-૧૩૫ મુજબનાં શિક્ષાનેપાત્ર ગુનાઓનુ ચાર્જશીટ કર્યું હતું. જે કેસ જેતપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફથી રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ, સાહેદોના નિવેદનો, જુબાની તેમજ તપાસનીશ અધિકારી અને મદદનીશ સરકારી વકીલ કે. એ. પંડ્યાની રજૂઆતો દલીલો અને વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજૂ કરેલા ચુકાદાઓ ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ એસ.એસ. પુરાણીએ આરોપી કનુ પટોળીયા ને આઈપીસી 302 ના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા 1000 દંડ આ ઉપરાંત અન્ય કલમો હેઠળ પણ સજા અને દંડના હુકમો કર્યા છે. આ કેસમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ કેતન એ. પંડ્યા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application