BREAKING NEWS

બોટાદમાં કિસાન મહાપંચાયતમાં થયેલી હિંસામાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ

  • October 16, 2025 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામા કુલ 85 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં 65 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં હવે અમદાવાદથી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે. ફરાર થયેલા 20 આરોપીઓમાંથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં 18 આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. જ્યારે 47 આરોપીઓને જેલ હવાલે કરાયા છે.  


મળતી માહિતી મુજબ, બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામની આજે ધરપકડ કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે 65 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે પૈકી પોલીસે 18 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં બોટાદ કોર્ટે સુનાવણીના અંતે 18 આરોપીઓને આગામી 20 ઓક્ટોબર સુધી, એટલે કે છ દિવસના પોલીસ રિમાન્ડ સોંપવાનો આદેશ કર્યો હતો. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


ગુજરાતમાં કિસાન મહા પંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. 12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application