પવનચક્કીના થાંભલાના કારણે થયેલા નુકસાનનું વળતર ન મળતા ખંભાળિયાના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

  • August 19, 2023 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા એક ધરતીપુત્રએ ગઈકાલે શુક્રવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પવનચક્કીના થાંભલાના કારણે તેમને ઉભા પાકમાં થયેલા નુકસાનીનું વળતર ન થતાં મળતાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ગઢવી નગાભાઈ ડાડુભાઈ સંધીયાના ખેતરમાં થોડા દિવસ પૂર્વે પવનચક્કીનો એક થાંભલો આગના કારણે ધરાશાયી થયો હતો. આ બનાવ બનતા ખેતરમાં રહેલા મગફળીના પાકને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ પછી ખેડૂત પરિવારને કોઈ મળવાપાત્ર વળતર મળ્યું ન હતું. પવનચક્કીના થાંભલામાં લાગેલી આગ તેમજ ખેડૂતની જમીનમાં થયેલી નુકસાનીનું વળતર ન મળવા ઉપરાંત તેમના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે પવનચક્કીની કંપની દ્વારા બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ ખેડૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પરિસ્થિતિ વચ્ચે શુક્રવારે બપોરે નગાભાઈ ડાડુભાઈ ગઢવીએ પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસમાં જાણ પણ કરવામાં આવી છે.
પવન ચક્કી કંપની નિયમોને ઘોળીને પી જાય છે...
આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા એક નિવેદનમાં જણાવ્યું હતું કે - "વીન્ડફાર્મ કંપનીઓને રાજ્ય સરકારે જાણે બેલગામ કરી દિધી હોય તેવું લાગે છે. આજે નાના આસોટાના ખેડૂતે કંપનીના કથિત ત્રાસથી દવા પીવા મજબુર થવું પડ્યું. ગત તા. ૮ ના રોજ રાજપરા ગામે ખેડૂત પરિવારના એક મહિલાએ આ જ કંપનીના ત્રાસથી દવા પી લીધી હતી.’ પવનચક્કી ઉભી કરતી કંપનીઓ જાણે નિયમો ઘોળી ને પી જાય છે. સરકાર અને તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહે છે. એટલું જ નહીં, નિયમો તોડવામાં જાણે પ્રશાસન પોલીસ પ્રોટેક્શન આપીને સાથ સહકાર આપે છે એટલે છાસવારે ખેડૂતો પર દમન થઈ રહ્યું છે. તેઓ પણ આક્ષેપ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application