BREAKING NEWS

રાજકોટમાં મોબાઇલના વળગણમાં ૧૨ વર્ષના તરૂણનો ફાંસો ખાઇ આપઘાત

  • December 20, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બાળકોમાં અને ટીનેજરોમાં મોબાઇલનું વળગણ સતત વધી રહ્યું છે. ત્યારે મોબાઈલના વડગણમાં રાજકોટમાં 12 વર્ષના ધો.૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. શહેરના ચંદ્રેશ નગર મેઇન રોડ પર રહેતા મૂળ યુપીના વતની પરિવારના 12 વર્ષના પુત્રને પિતાએ મોબાઈલ ન જોવાનું કહી તેનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. જે બાબતે માઠું લાગી જતા આ તરૂણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ચંદ્રેશ નગર મેઇન રોડ પર યુનિવર્સલ સ્કૂલ પાસે રહેતા સૌરભ રાકેશ પાંડે(ઉ.વ. ૧૨) નામના તરૂણે ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરમાં રૂમમાં છતના એંગલમાં સાડીના છેડાથી દુપટ્ટો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ તેની માતાને થતા તુરંત પતિને જાણ કરી હતી અને બાદમાં 108 માં જાણ કરતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી તરૂણને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે માલવિયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સારંગભાઇ ઓગણીયાએ અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી તરૂણના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.


આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પરિવાર મૂળ યુપીનો વતની છે અને છેલ્લા વિશે વર્ષથી અહીં રાજકોટમાં રહે છે. સૌરભના પિતા રાકેશભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકની માતાનું નામ ગીરીજાબેન છે બાળક બે ભાઈના પરિવારમાં મોટો હતો તેનાથી નાનો ભાઈ રુદ્ર(ઉ.વ. ૫) છે.


ગઈકાલે સૌરભ સ્કૂલેથી આવ્યા બાદ મોબાઇલ જોતો હોય જેથી તેના પિતાએ ઠપકો આપી તેની પાસેથી મોબાઇલ લઈ તેના આઇડી-પાસવર્ડ ચેન્જ કરી નાખ્યા હતા. બાદમાં 3:30 વાગ્યા આસપાસ તેઓ રીક્ષા લઇ ચાલ્યા ગયા હતા. બાદમાં તરૂણે તેની માતાને પાસવર્ડ બદલી આપવાનું કહ્યું હતું પરંતુ માતાને પાસવર્ડ યાદ ન હોય તેમણે પાસવર્ડ બદલી આપ્યું ન હતો. જેથી તેણે માતા સાથે બોલાચાલી કરી હતી બાદમાં તરૂણના માતા ઘર કામમાં વ્યસ્ત હોય ત્યારે તરૂણે રૂમમાં જઈ આ પગલું ભરી લીધું હતું. બનાવના પગલે પરપ્રાંતીય પરિવારમાં શોક છવાઈ ગયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application