હાલારની ૬ નગરપાલિકામાં કુલ ૧૩૨ ફોર્મ થયા રદ્દ

  • February 04, 2025 04:23 PM 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકાની કુલ ૬ નગરપાલિકાઓમાં ઉમેદવારીપત્ર ચકાસણીના અંતે ૧૩ર ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે, જેમાં ડમી ઉમેદવારો તો ક્યાંક મેન્ડેટ નહીં મળ્યાનો સમાવેશ થાય છે, આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે કે, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ તથા દેવભૂમિની દ્વારકા, ભાણવડ, સલાયા નગરપાલિકામાં કોની સામે કોનો ચૂંટણી જંગ ખેલાશે ?

જામજોધપુરમાં કુલ ૧૧૦ ફોર્મ ભરાયા હતા, જે પૈકી ૩૦ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. ધ્રોલ ન.પા. માટે ૧રર ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૩પ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. કાલાવડમાં ૯૯ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ર૩ ફોર્મ રદ્દ થયા છે. જામનગર  જિલ્લાની ૩ નગરપાલિકામાં કુલ ૩૩૧ ફોર્મ ભરાયા હતા, જ્યારે દ્વારકા જિલ્લામાં ર૪૩ ફોર્મ સહિત કુલ પ૭૪ ફોર્મ ભરાયા હતા.



દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા નગરપાલિકામાં ૮૭ ફોર્મ ભરાયા હતા, જે પૈકી ર૮ ફોર્મ રદ્દ થયા છે, જયારે સલાયામાં ૯૮ ફોર્મ ભરાયા હતા અને એક પણ ફોર્મ રદ્દ થયેલ નથી, જ્યારે ભાણવડ નગરપાલિકામાં પ૮ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧૬ ફોર્મ રદ્દ થયા છે, આમ સમગ્ર હાલારની વાત કરીએ તો કુલ પ૭૪ ફોર્મ ભરાયા હતા, ૧૩ર ફોર્મ આ લખાય છે ત્યારે રદ્દ થયા છે, હવે આજે સાંજ સુધીમાં  કેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચાઇ છે તેના પછી ચિત્ર સ્પષ્ટ થશે, હાલ ૪૪ર ફોર્મ બાકી બચ્યા છે, તેમાંથી કેટલા પાછા ખેંચાય છે એ જોવાનું રહ્યું.

જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી માટે કુલ ૩૩૧ ઉમેદવારી પત્રો ભરાયા બાદ ગઇકાલ સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી વેળાએ ડમી તરીકે રજૂ કરેલા ભાજપના ૧૬૪ પૈકીના અમુક તથા જામજોધપુરના કોંગ્રેસ અને આપના મેન્ડેટ વગરના બે મળીને કુલ ૮૮ ઉમેદવારી પત્રો ટેકનીકલ કારણોસર રદ્દ થતાં ર૩પ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણેય નગરપાલિતકાઓ સલાયા, દ્વારકા તથા ભાણવડ માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો.



રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો, અગાઉ આજકાલ માં અપાયા મુજબ જામજોધપુરમાં ભાજપ, આપ અને કોંગી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે, જામનગર જિલ્લાની બીજી બે નગરપાલિકા કાલાવડ અને ધ્રોલમાં ભાજપ-કોંગી વચ્ચે ટક્કર છે, નોંધનીય છે કે કાલાવડ નગરપાલિકા, નગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધી કોંગ્રેસ પાસે આવી નથી, ર૮ વર્ષ પહેલા જ્યારે નગરપાલિકાઓની રચના થઇ ત્યારથી આજ સુધી કાલાવડ પર ભગવો યથાવત છે, બીજી તરફ ધ્રોલમાં પણ ગત વખતે ભાજપે બાજી મારી હતી, દેવભૂમિની દ્વારકા નગરપાલિકામાં તો અત્યારથી જ ચિત્ર દેખાવા લાગ્યું છે, સાત બેઠકો ભાજપની બિનહરીફ થઇ ગઇ છે, અધૂરામાં પૂરું કોંગી અહીં તમામ ર૮ બેઠક પર ઉમેદવાર પણ ઉતારી શકી નથી, સલાયામાં જેવી સ્થિતિ છે કે, ભાજપને ઉમેદવાર મળ્યા નથી, તેમ દ્વારકામાં કોંગીને ઉમેદવાર મળ્યા નથી, આમ ઉમેદવારો નહીં મળવાની બાબતમાં પણ કોંગી, ભાજપ આવ ભાઇ હરખા... આપણે બે સરખા... જેવો તાલ સર્જાયો છે, ભાણવડ નગરપાલિકા જે ગત વખતે કોંગ્રેસ પાસે હતી, ત્યાં આ વખતે શું થાય છે ? એ જોવું રસપ્રદ બની રહશેે, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના રાજકારણ પર પકડ જમાવવા માટે મહત્વની મનાતી નગરપાલિકાઓની ચૂંટણીમાં તા. ૧૬મી થનારા મતદાન પૂર્વે હજુ ઘણી રાજકીય રમતો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application