જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષા અને તે દિશામાંથી ફૂકાતા પવનના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં એકાએક જોરદાર વધારો થયો છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે તેવી ચેતવણી હવામાન ખાતાએ આપી છે.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 17.9 ડિગ્રી હતું તે આજે આઠ ડિગ્રીના ઘટાડા સાથે 9.5 ડિગ્રી થઈ ગયું છે. પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલના 16.2 ડિગ્રીની સરખામણીએ છ ડિગ્રી ઓછું છે. નલિયામાં ગઈકાલે ૧૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તે આજે સાત ડિગ્રી ના ઘટાડા સાથે પાંચ ડિગ્રીએ પહોંચી ગયું છે. કંડલા અને અમરેલીમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં પાંચ- પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે કંડલામાં 12 અમરેલીમાં 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લઘુત્તમ અને મહત્તમ તાપમાનના શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી મોટો અપસેટ આજે સર્જાવા પામ્યો છે. ગાલ પર કોઈ બરફ ઘસતું હોય તેવી બરફીલા પવન વાળી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે રાજકોટમાં આઠ, પોરબંદરમાં છ, નલિયામાં સાત, કંડલા અને અમરેલીમાં પાંચ -પાંચ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરી ગયું છે અને તેના કારણે તીવ્ર ઠંડીનો વધુ એક રાઉન્ડ જાણે શરૂ થયો હોય તેવું લાગે છે.
રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર આજે માત્ર 7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. જુનાગઢ શહેરમાં 12 અને ભવનાથ તળેટીમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 12.5 વડોદરામાં 12.8 ભુજમાં 9.8 ડીસામાં 8.4 દ્વારકામાં 12.2 ગાંધીનગરમાં 11 ઓખામાં 15.8 સુરતમાં 14.2 અને વેરાવળમાં 14.3 ડીગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે.
જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા અને વરસાદ ચાલુ છે. ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે અને નવું એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આગામી તારીખ 26 ના રોજ ઉદ્ભવશે અને તેના કારણે આ વિસ્તારમાં 27 અને 28 ના રોજ હિમ વર્ષા અને વરસાદનો બીજો નવો એક રાઉન્ડ શરૂ થશે.
દરમિયાનમાં ગઈકાલે કચ્છના લખપત અને કોટેશ્વર વિસ્તારમાં માવઠું થયું હતું. મહેસાણા જિલ્લામાં પણ અમુક જગ્યા એ માવઠું થયાના સમાચારો મળી રહ્યા છે.