આજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ: તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી વધશે

  • May 12, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાને કારણે થોડા દિવસો કાળઝાળ ગરમીમાં રાહત મળી પરંતુ આજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી પાંચ થી છ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૩ થી ૫ ડિગ્રી જેટલો વધશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ ભુજ જેવા અનેક સેન્ટરોમાં તો ગઈકાલથી જ ગરમી વધવાનું શરૂ થયું છે. ભુજમાં રવિવારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું હતું. ગુજરાત ઉપરાંત બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગરમી વધવા માટેની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં તારીખ 4 થી શરૂ થયેલું માવઠું હવે નબળું પડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને તેમાં માત્ર 8 તાલુકા એવા છે કે ત્યાં એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે. બાકી બધા તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. આજે સવારે 6:00 થી 8:00 વાગ્યાના પ્રથમ બે કલાકમાં રાજ્યના એક પણ વિસ્તારમાં એક પણ મિલીમીટર વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાં આજે અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાની શક્યતા છે પરંતુ આવતીકાલથી માવઠાનું વાતાવરણ સ્વચ્છ થઈ જશે અને ગરમી વધશે.

દરમિયાનમાં આવતીકાલે સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે કે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ આંદામાન, બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર અને નિકોબાર ટાપુ પર એન્ટ્રી લેશે. આ સિસ્ટમ આગામી 4 થી 5 દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં, માલદીવ અને અંદામાનના સમગ્ર ભાગમાં, બંગાળની ખાડીના દક્ષિણ તરફના વધુ ભાગમાં અને કન્યાકુમારીમાં છવાઈ જશે. નૈઋત્યનું ચોમાસું આ વખતે તારીખ 27 ના કેરળમાં એન્ટ્રી લે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવે છે.જો આમ થશે તો તે રૂટીન કરતાં પાંચ દિવસ જેટલું વહેલું હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application