સગાઈ માટે કાર લઈ અમદાવાદ આવેલા મહુવાના શખ્સે બાઈક સવારને ઉડાડ્યો
સગાઈ માટે કાર લઈ અમદાવાદ આવેલા મહુવાના શખ્સે બાઈક સવારને ઉડાડ્યો
October 03, 2025 02:28 PM
મહુવાના યુવાનની સગાઇ હોય તે કાર લઈને અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે બાપુનગરથી ઠક્કરનગર વચ્ચેના પુલ પર પહોંચ્યો તે સમયે અચાનક કાબુ ગુમાવતા બે ટુ-વ્હીલરને ઉડાડ્યા હતા. જે પૈકી એક બાઈક સવાર પુલ પરથી ઉછળીને નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતુ, જ્યારે એક વૃધ્ધને ઈજાઓ ગંભીર પહોંચી હતી. અકસ્માતની જાણ થતા એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધંધુકામાં રહેતા કિશનકુમાર કણજરીયા પોતાનું બાઈક લઈ ગામડે જવા નિકોલમાં પોતાના સંબંધીના ઘરેથી નીકળ્યો હતો. ત્યારે બાપુનગરથી ઠક્કરનગર જતા પુલ પર પહોંચ્યો ત્યારે પુરઝડપે આવી રહેલ અટિંગાકારના ચાલકે કાબુ ગુમાવતા કિશનકુમારને બાઈક સમેત ઉડાડ્યો હતો.પરિણામે ક્રિશનકુમાર ઉછળીને પુલ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે તેનું જ મોત નિપજ્યુ હતુ. જ્યારે બાઈકની પાછળ આવી રહેલ હરેશભાઈ પ્રજાપતિને પણ કારના ચાલકે અડફેટે ચડાવતા ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક કાર મૂકીને જતો રહ્યો હતો. ઘટનાની જાણ થતા એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે દોડી જઈ કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા કારચાલક ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતો સંદિપ અહલપરાની ધરપકડ કરી હતી.અને તેની પૂછપરછમાં તે મિસ્ત્રીકામ કરતો હોવાનું અને તેની અમદાવાદમાં સગાઈ હોવાથી કાર લઇને આવતો હતો ત્યારે બાપુનગર ઠક્કરનગર રોડ પરના પુલ પર પહોંચતા ગતિ વધુ હોય કાર બે કાબુ બની હોવાની કબૂલાત આપી હતી.