વિદેશમાં નોકરીના નામે પૈસા ઉઘરાવી મસમોટું કૌભાંડ

  • March 12, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા અપાવી દેવાના બહાને પૈસા ઉઘરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. પોરબંદર પંથકના ૧૩ જેટલા અરજદારોએ રાજકોટમાં કાલવાડ રોડ પર ઓફિસ ધરાવનાર વ્યકિતને ૧ લાખથી લઈને ૫૦,૦૦૦ સુધીના પિયા આપ્યા હતા. બાદમાં આ શખસે વિઝા ન કરાવી આપતા અંતે મામલો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ ૧૩ અરજદારોએ આપેલા ૯.૯૦ લાખ પરત અપાવ્યા છે. પરંતુ બીજી તરફ એવી વાત પણ સામે આવી રહી છે કે, આ શખસે આ પ્રકારે સૌરાષ્ટ્ર્રભરમાં અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં કણકોટ રોડ પર કૈલાશ પાર્ક પાસે સાંકેત બંગલોમાં રહેતા પુનિત ભરતભાઈ વાઢેર નામના શખસે પોરબંદર પંથકના અલગ અલગ અરજદારો પાસેથી વિદેશમાં નોકરીના વર્ક વિઝાના બહાને . ૧,૧૦,૦૦૦ થી લઈ ૫૦,૦૦૦ સુધી ના પૈસા ઉઘરાવ્યા હતા. દરમિયાન આ બાબતે રાહત્પલભાઈ જીવાભાઇ વાઘેલા નામના અરજદારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી તે તથા તેમના સહિત ૧૩ અરજદારો સાથે પુનિત વાઢેર નામના આ શખસે વર્ક વિઝાના નામે પૈસા ઉઘરાવી લઈ છેલ્લા ઘણા સમયથી વર્ક વિઝા પણ આપતો ન હોય અને પૈસા પણ પરત આપતા ન હોય જે અંગેની રજૂઆત કરી હતી.
આ બનાવવાની ગંભીરતાને જાણી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન. પટેલ દ્રારા તાકીદે આ બાબતે તપાસ કરાવી સામેવાળા પુનિત ભરતભાઈ વાઢેરને અહીં પોલીસ સ્ટેશન બોલાવી અરજદારોને તેમણે ગુમાવેલા પિયા ૯.૯૦ લાખની રકમ પરત અપાવી હતી. આ કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.જી.ડોડીયા,એએસઆઇ જગમાલભાઇ ખટાણા, કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મોયા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.
બીજી તરફ એવી વિગત જાણવા મળી રહી છે કે, કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે સાંકેત નામની ઓફિસ ધરાવનાર પુનિત વાઢેરે આ પ્રકારે આ ૧૩ અરજદારો ઉપરાંત પોરબંદર ભાણવડ સહિતના વિસ્તારના લોકો પાસે વર્ક વીઝાના નામે પૈસા ઉઘરાવી લઈ વિઝા ન કરાવી આપી તેમજ પૈસા પણ પરત આપ્યા નથી. ત્યારે આ બાબતે આગામી દિવસોમાં ફરિયાદ થાય તેવું જાણવા મળી રહ્યું છે.

પોરબંદરમાં મેડિકલ કેમ્પ યોજી ૭૦૦ લોકો પાસેથી ફી ઉઘરાવી
રાજકોટમાં રહેતા પુનિત વાઢેરે પોરબંદરમાં થોડા સમય પૂર્વે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૦૦થી વધુ લોકો આ કેમ્પમાં જોડાયા હતા. જેમની પાસેથી તેણે બે થી અઢી હજાર જેવી ફી લેવામાં આવી હતી. બાદમાં આ અંગેના કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ મામલે કેમ્પમાં આવનાર વ્યકિતઓ દ્રારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.ત્યારે આ મામલે પણ ટૂંક સમયમાં ફરિયાદ નોંધાવવામાં આવે તેવું જણાઈ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application