BREAKING NEWS

મહાસાગરોમાં બે વ્હેલ માછલી વચ્ચે ૧૫,૦૦૦ કિમીની ઐતિહાસિક મેરેથોન: વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત

  • May 21, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશાળ સમુદ્રોના ઊંડા પાણીમાં વ્હેલ માછલીઓની દુનિયા હંમેશાં રહસ્યમય રહી છે. સામાન્ય રીતે હમ્પબેક વ્હેલ પ્રજાતિની માછલીઓ પેઢી દર પેઢી પોતાની માતાઓ પાસેથી શીખેલા એક ચોક્કસ અને અનુમાનિત માર્ગે જ મુસાફરી કરતી હોય છે. તેઓ ઉનાળાની ઋતુમાં બર્ફીલા પાણીમાં ક્રિલ અથવા સૂક્ષ્મ ઝીંગા જેવા જીવો ખાય છે અને શિયાળો આવતા જ પ્રજનન માટે ગરમ ઉષ્ણકટિબંધીય પાણી તરફ સ્થળાંતર કરે છે. જો કે, તાજેતરમાં બે વ્હેલ માછલીઓએ વર્ષો જૂનો આ સ્થાપિત નિયમ તોડીને 15000 કિલોમીટરની દોડ લગાવી મહાસાગરો ખેડ્યા છે, જેણે દરિયાઈ વૈજ્ઞાનિકોને પણ ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે. 'રોયલ સોસાયટી ઓપન સાયન્સ જર્નલ'માં પ્રકાશિત થયેલા એક રોમાંચક અભ્યાસ અનુસાર, બે હમ્પબેક વ્હેલે ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ વચ્ચે આવેલા એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો પાર કરીને આશરે ૧૪,૫૦૦થી ૧૫,૦૦૦ કિલોમીટરનું અભૂતપૂર્વ અંતર કાપ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ લાંબી સફર દરમિયાન એક વ્હેલે તો કોલંબિયાથી લઈને આફ્રિકાના ઝાંઝીબાર સુધી સતત તરીને અંદાજે ૧૫,૦૦૦ કિલોમીટરની સફર એકલીએ જ ખેડી નાખી હતી. વ્હેલ માછલીઓ દ્વારા અત્યાર સુધી નોંધાયેલું આ સૌથી લાંબું અંતર છે. આ અશક્ય લાગતી શોધ કરવા માટે વૈજ્ઞાનિકો અને નાગરિક સંશોધકોએ છેલ્લા ૪૦ વર્ષોમાં લેવામાં આવેલા ૧૯,૦૦૦થી વધુ વ્હેલ માછલીઓના ફોટોગ્રાફ્સનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, જેમ દરેક મનુષ્યની આંગળીઓની છાપ (ફિંગરપ્રિન્ટ્સ) અનન્ય અને જુદી જુદી હોય છે, તેવી જ રીતે દરેક હમ્પબેક વ્હેલની પૂંછડીના રંગો, તેના પરની પેટર્ન અને તેની તીક્ષ્ણ ધાર પણ એકબીજાથી સાવ અલગ હોય છે. આ શારીરિક વિશેષતાની મદદથી જ વૈજ્ઞાનિકો ચોક્કસ માછલીઓની ઓળખ કરી શક્યા હતા. પૂર્વી ઓસ્ટ્રેલિયામાં અને બ્રાઝિલના દરિયાઈ પ્રજનન કેન્દ્રોમાં જુદા જુદા વર્ષો દરમિયાન લેવાયેલા વ્હેલના ફોટાઓને આપસમાં મેચ કરવા માટે ખાસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીની મદદથી જ એ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી કે બંને સ્થળોએ દેખાયેલી વ્હેલ એક જ હતી અને તેણે જ આ 'રેકોર્ડ-બ્રેકર' લાંબી મુસાફરી કરી હતી. જો કે, વ્હેલ માછલીઓએ સમુદ્ર પાર કરવા માટે કયો ચોક્કસ રસ્તો અપનાવ્યો તે હજુ પણ એક રહસ્ય છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ વ્હેલ કદાચ અન્ય જૂથની વ્હેલને ખોરાકના કોઈ સામાન્ય સ્થળે મળી હશે અને પોતાના મૂળ નિવાસસ્થાનમાં પાછા ફરવાને બદલે નવા મિત્રોની પાછળ પાછળ અજાણ્યા રસ્તે નીકળી પડી હશે. વૈજ્ઞાનિક અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં વિશાળ અને ખુલ્લા મહાસાગરો આવેલા છે, જેના કારણે વ્હેલ માછલીઓ માટે કોઈપણ અવરોધ વિના આટલા લાંબા અંતરની મુસાફરી કરવી સરળ બને છે. તેનાથી વિપરરીત, ઉત્તર ગોળાર્ધમાં મોટા મોટા ભૂખંડો (જમીન ભાગો) આવેલા છે, જે દરિયાઈ જીવોની આવી લાંબી મુસાફરીમાં મોટા ભૌગોલિક અવરોધો ઊભા કરે છે. આ સંશોધનને કારણે હવે દરિયાઈ જીવવિજ્ઞાનીઓને વ્હેલના વર્તન અને તેમની બદલાતી આદતોને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં નવી દિશા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application