ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આવેલા શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર (JCARC) પરિસર સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં આગામી 16 જુલાઈ, 2026 ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાનારા આ મહોત્સવમાં અંદાજે 20 હજારથી વધુ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લેશે. સમગ્ર કાર્યક્રમને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
શ્રી જગન્નાથ મંદિર પુરીના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરના આદર્શ પર નિર્માણ પામેલું છે અને અહીં પુરીની પરંપરા મુજબ તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે. મંદિર વર્ષભર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. રથયાત્રા મહોત્સવની શરૂઆત 29 જૂનના સ્નાન પૂર્ણિમાથી થઈ ચૂકી છે અને 24 જુલાઈના નીલાદ્રી વિજય સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
રથયાત્રાના દિવસે નેત્રોત્સવ, નવયૌવન દર્શન, મંગળ આરતી, રથનું શુદ્ધિકરણ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પહાંડી વિધિ, પરંપરાગત છેરા પહરા તેમજ કપૂર આરતી સહિતની વિશિષ્ટ ધાર્મિક વિધિઓ યોજાશે. તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી જગન્નાથજી પોતાના ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાજી સાથે ભવ્ય રથમાં આરુઢ થઈ ભક્તોને દર્શન આપતા મા અન્નપૂર્ણા મંદિર તરફ પ્રસ્થાન કરશે.
આ વર્ષની રથયાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે રાજ્યસભાના સભ્ય અને ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નરહરિ અમીન તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ છેરા પહરાની વિધિ સંપન્ન થશે.
રથયાત્રા શ્રી જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરી શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ થઈને મા અન્નપૂર્ણા મંદિર પહોંચશે. ત્યાં વિશેષ આરતી અને પ્રસાદ અર્પણ બાદ ભગવાનનો રથ પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરત ફરશે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સાંજના સમયે જાણીતા કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.