શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન જોબ કન્સલ્ટન્સી ચલાવતી મુળ નવી દિલ્હીની યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની થયા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ ધરાવતા શખસે રોકાણ પર નફાની લાલચ આપી કુલ ૧૨.૫૦ લાખ પડાવી લીધા બાદ રકમ પરત માંગતા યુવતીને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસે મુળ નવી દિલ્હીની વતની અને હાલ સાધુ વાસવાણી રોડ પર યોગીનગર કોમ્પલેક્ષ બીજા માળે રહેતી દામીનીબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી સાધુ વાસવાણી રોડ સરીતા શેરી નં. ૫ કેશવી સુપર માર્કેટ પાસે સુર્યકૃપા ખાતે રહેતાં રાજદિપસિંહ ભરતસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાના ભાઇ સાથે રાજકોટ રહે છે અને સક્સેસ કિંગડમ નામે પ્રોપરાઈટરશીપ ફર્મ ચલાવે છે અને ઓનલાઈન જોબ અપાવવાનું કામકાજ કરે છે. તે છેલ્લા બે વર્ષથી રાજદીપસિંહ ભરતસિંહ જાડેજાના સંપર્કમાં હતા. જુલાઈ ૨૦૨૪માં દામિનીબેને રાજદીપસિંહની ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે ધ સ્પાયર બિલ્ડિંગમાં આવેલી જાડેજા બ્રધર્સ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ નં. ૧૩૩૦ ખાતે રોકાણ માટે ગયા હતાં. વિશ્વાસમાં આવીને તેમણે પ્રથમ વખત ૨,૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગત તા. ૦૧/૦૭/૨૦૨૫ના રોજ તે જ ઓફિસે ફરી ૧૦,૦૦,૦૦૦ રૂપિયાનું મોટું રોકાણ કર્યું હતું. આમ કુલ ૧૨,૫૦,૦૦૦ રૂપિયા રાજદીપસિંહ પાસે રોકયા હતા.
રોકાણ કર્યા બાદ શરૂઆતના ત્રણ મહિના સુધી રાજદીપસિંહે કરાર મુજબ નફો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ નફો કે મુળ રકમ આપવાનું બંધ કરી દીધું હતું. દામિનીબેને અનેકવાર ફોન કર્યા અને ઓફિસે ધક્કા ખાધા પરંતુ રાજદીપસિંહે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ગત તા. ૦૭/૦૧/૨૦૨૬ ના રોજ જ્યારે દામિનીબેન તેમના ભાઈ પ્રિન્સ સાથે ઓફિસે ગયા ત્યારે જાણવા મળ્યું કે, રાજદીપસિંહે ઓફિસ બંધ કરી દીધી છે. ઓફિસ બંધ હોવાથી દામિનીબેન અને તેમના ભાઈ પ્રિન્સ સાંજે સાતેક વાગ્યે રાજદીપસિંહના ઘરે સાધુ વાસવાણી રોડ ખાતે પહોંચ્યા હતા. દામિનીબેને પોતાની રકમ પરત માંગતા રાજદીપસિંહે ઉશ્કેરાઈ ગાળો દીધી હતી અને ધમકી પણ દીધી હતી કે, તારા પૈસા હવે પાછા નહીં મળે અને જો ફરીથી પૈસા માંગ્યા કે રાજકોટમાં કયાંય દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ. બનાવ અંગે યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.