માળિયા હાટીના પાસે ડિવાઈડર ઠેકી કાર સામે આવતી કાર પર પડી, 7ને ભરખી ગઈ, હૃદય થંભાવી દેતા CCTV

  • December 09, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શુક્લ પક્ષની આઠમ અને સોમવાર છે. આજના આ શુભ દિવસે જ જૂનાગઢના માળિયા હાટીના પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત 7 લોકોની જિંદગી ભરખી ગયો છે. જેમાં પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થી પણ હતા. ઘટનાને કારણે બચાવ કામગીરી માટે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. 108 અને ફાયર ફાઈટરના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જે જોતા જ બે ઘડી હૃદય થંભાવી દે તેવા છે.


CCTVમાં શું દેખાય છે?આ ગોઝારા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જેમાં અલ્ટો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમવતા ફૂટબોલની જેમ ફંગોળાઈને ડિવાઈડર ઠેકી સામેની સાઈડમાં આવતી સેલારિયો કાર પર પડી હતી. આથી બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.



        

આ બનાવની પ્રાથમિક વિગત અનુસાર, જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક કાર ભીષણ આગમાં લપેટાઈ ગઈ હતી. આથી કારમાં રહેલ CNG ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, હાઈવેની બાજુમાં રહેલ એક ઝુંપડામાં પણ આગ લાગી ગઈ હતી. આથી ઝુંપડું પણ ખાખ થઈ ગયું હતું.  



7માંથી પાંચ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત
આજે સવારે આઠ વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં કરૂણતા એ છે કે, મોતને ભેટનારા 7 લોકોમાં પરીક્ષા આપવા જતાં પાંચ વિદ્યાર્થીના પણ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.



મૃતક પાંચેય વિદ્યાર્થી ગડુ ખાતે પરીક્ષા આપવા જતા હતા
મૃતક 5 વિદ્યાર્થીઓ કેશોદની આજુબાજુના ગામના જ રહેવાસી હતા અને ગડુ ખાતે પરીક્ષા આપવા જતાં હતા. જ્યારે બે મૃતકો જાનુડા ગામના છે.



મૃતકોની ઓળખ હાથ ધરાઈ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝુંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત કંઈ રીતે થયો તેની તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application