ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામે વાવાઝોડા અને કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં એકસાથે 63 જેટલા અબોલ પશુઓના કરુણ મોત નીપજ્યા હતા. કુદરતની આ અણધારી આફતને પગલે પશુપાલક પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ આખા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, રવિવારે બપોર બાદ કલોલ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી. મુશળધાર વરસાદની સાથે જ આકાશમાં વીજળીના ભયાનક કડાકા-ભડાકા શરૂ થતાં પશુપાલક ચિંતામાં મુકાયો હતો. તેણે પોતાના પશુઓને વરસાદથી સુરક્ષિત રાખવા અને આશરો આપવા માટે ગામના પાદરમાં આવેલા એક મોટા અને ઘટાદાર વૃક્ષ નીચે બાંધ્યા હતા. પશુપાલકને આશા હતી કે અહીં તેના પશુઓ સલામત રહેશે, પરંતુ કુદરતનો ક્રૂર ખેલ કંઈક જુદો જ હતો.
વરસાદ અને પવનની તીવ્રતા વચ્ચે અચાનક ભારે કડાકા સાથે આકાશી વીજળી તે જ વૃક્ષ પર ત્રાટકી હતી જેની નીચે પશુઓ બાંધેલા હતા. વીજળીનો આંચકો એટલો પ્રચંડ હતો કે વૃક્ષ નીચે આશરો લઈ રહેલા તમામ અબોલ જીવો પળભરમાં જ કાળનો કોળિયો બની ગયા હતા. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ 62 બકરીઓ અને એક ગાય સહિત કુલ 63 પશુઓએ દમ તોડી દીધો હતો. એક જ સ્થળે પશુઓનો આટલો મોટો ખડકલો જોઈને ગ્રામજનો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
જે માલઢોરના દૂધ અને ઉછેરના સહારે આખો પરિવાર આજીવિકા મેળવતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો તે તમામ પશુઓ એક જ ઝાટકે મોતના મોંમાં ધકેલાઈ જતાં પશુપાલકની કમાણીનો એકમાત્ર સ્ત્રોત નષ્ટ થઈ ગયો છે.
પશુઓના આકસ્મિક મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે વ્યાકુળ બનેલા પશુપાલક પરિવારને સાંત્વના આપી હતી અને હિંમત બંધાવી હતી. બીજી તરફ, ઘટનાની જાણ વહીવટી તંત્રને કરવામાં આવતા તંત્રના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ આર્થિક નુકસાની બદલ ગરીબ પશુપાલક પરિવારને સરકાર તરફથી આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી તાત્કાલિક ધોરણે યોગ્ય આર્થિક વળતર (સહાય) આપવામાં આવે તેવી વ્યાપક માગ ઉઠી રહી છે.