જામનગર: બાલાચડીની સીમમાં ૧૦.૮૮ લાખના મુદામાલ સાથે ૬ જુગારી ગીરફતાર
એલસીબીનો દરોડો : ૬૩ હજારની રોકડ, કાર મળી આવી : સંગચિરોડા ગામમાં પાના ટીંચતા પાંચ પકડાયા
જોડીયાના બાલાચડી સીમમાં એલસીબીની ટુકડીએ બાતમીના આધારે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને ૬૩ હજારની રોકડ અને વાહન મળી ૧૦.૮૮ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા. જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામના પાંચ પત્તાપ્રેમીઓને સ્થાનીક પોલીસે પકડી લીધા હતા.
એસપીની સુચનાથી એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગ્રામ્ય અને જોડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એલસીબીના અજયભાઇ, સુમિતભાઇ, ભયપાલસિંહ, ક્રિપાલસિંહને સંયુકત બાતમી મળી હતી કે બાલાચડીની સીમમાં ગંભીરસિંહની વાડીમાં તિનપતીનો જુગાર રમાતો હોય આથી દરોડો પાડીને બાલાચડી ગામના ગંભીરસિંહ જસુભા વાઘેલા, અલીયાબાડાના મુકેશ કાનજી યાદવ, અનવર મામદ સપડીયા, જામનગર મયુરપાર્કના ભરતસિંહ બાલુભા વાઘેલા, લંઘાવાડના ઢાળીયે કુલસુમ એપાર્ટમેન્ટમાં રહેતા નાઝીમ કમાલુદીન ધમાણી અને દિ.પ્લોટ-૫૮ ટાંકા પાસે રહેતા દિનેશ આસરીયા માવને પકડી લીધા હતા. દરોડા દરમ્યાન ૬૩૫૦૦ની રોકડ, ગંજીપતા, પાંચ મોબાઇલ, ક્રેટા કાર નં. જીજે૧૦ટીએચ-૩૭૯૨ મળી કુલ ૧૦.૮૮.૫૦૦નો મુદામાલ જપ્ત કરી તમામની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
અન્ય દરોડામાં સંગચિરોડા ગામમાં ગંજીપતા વડે જુગાર રમતા સંગચિરોડા ગામના લગધીરસિંહ દેવુભા ચાવડા, બુટાવદરના રામદે બાબુ ધ્રાંગુ, સંગચિરોડાના જયરાજસિંહ બાલુભા ચાવડા, બુટાવદરના કાનજી રણમલ ઝીંઝુવાડીયા, જસાપરના દેવશી નરશી સરધારાને પકડી રોકડા ૨૯૮૦૦ જપ્ત કર્યા હતા.