કેન્સરને લઈને અત્યાર સુધી લોકો એવું જ માનતા આવ્યા છે કે આ બીમારી વધતી ઉંમર, ખરાબ નસીબ અથવા આનુવંશિક (જેનેટિક) કારણોસર થાય છે. પરંતુ મેડિકલ જર્નલ 'નેચર મેડિસિન' માં પ્રકાશિત એક લેટેસ્ટ સંશોધને આ વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વમાં કેન્સરના અંદાજે ૪૦ ટકા કેસ અને તેનાથી થતા અડધાથી વધુ મોતના કારણો આપણી ખરાબ દિનચર્યા સાથે જોડાયેલા છે, જેને સમયસર સુધારીને સરળતાથી ટાળી શકાય છે.
આપણી આ 5 આદતો શરીરને અંદરથી ખોખલી કરી રહી છે
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેન્સરનું જોખમ વધારતી આદતો આપણી અજાણતા જ રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ છે.
મોડી રાત સુધી જાગવું
પૂરતી ઊંઘ ન લેવી અને મોડે સુધી મોબાઈલ વાપરવો.
કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું
ફિઝિકલ એક્ટિવિટી કે કસરતનો બિલકુલ અભાવ.બહારનું
પ્રોસેસ્ડ ફૂડ ખાવું
હોટેલનું ખાવાનું અને અનહેલ્ધી ડાયેટ અપનાવવો.
માનસિક તણાવ
સતત ચિંતા અને ઓફિસના તણાવને નજરઅંદાજ કરવો.
વધુ પડતી ચરબી
અમેરિકાના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના મતે, શરીરમાં વધુ પડતી ચરબી સ્તન, લિવર, કિડની અને સ્વાદુપિંડ (પેન્ક્રિયાઝ) ના કેન્સરનું મુખ્ય કારણ બને છે.
યુવાનો કેમ ઝડપથી આ બીમારીની ચપેટમાં આવી રહ્યા છે?
કેન્સર નિષ્ણાત ડૉ. અનિંદ્ય મુખર્જીના જણાવ્યા અનુસાર, હવે કેન્સર માત્ર વૃદ્ધોની બીમારી નથી રહ્યું. ખૂબ જ નાની ઉંમરના યુવાનોમાં પણ હવે કોલોરેક્ટલ અને અન્ય કેન્સરના કેસો ઝડપથી વધી રહ્યા છે, જે પહેલા ૫૦ વર્ષની ઉંમર પછી જોવા મળતા હતા. ધૂમ્રપાન (તંબાકુ), દારૂનું સેવન, પ્રદૂષણ અને બેઠાડુ જીવન આ માટે સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત, શહેરોમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ અને પેસિવ સ્મોકિંગ (બીજાના સિગરેટનો ધુમાડો શ્વાસમાં જવો) પણ મોટું જોખમ છે.
એક્સપર્ટની સલાહ
વજન નિયંત્રણમાં રાખો અને દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કે યોગ કરો.આહારમાં તાજા લીલા શાકભાજી અને ફળોની માત્રા વધારો.બીડી, સિગરેટ, ગુટખા અને આલ્કોહોલથી બિલકુલ દૂર રહો.દરરોજ ૭ થી ૮ કલાકની ઊંઘ લો અને માનસિક તણાવને નિયંત્રિત કરવા મેડિટેશન કરો.