રાજકોટ ઉનાળાની કાળજાળ ગરમીના કારણે ચૂંટણી પ્રચારને ગંભીર વિપરીત અસર થઈ છે. કાર્યકરો અને આગેવાનો મોડી સાજથી એકાદ કલાક માટે પ્રચારમાં જોવા મળી રહ્યા છે. પરંતુ દિવસ આખો ગરમીના કારણે પ્રચારમાં પ્રમાણમાં ટાઢોળું રહે છે. મતદાનના દિવસે તો ગરમીનું પ્રમાણ અત્યારે જે છે તેના કરતાં પણ ત્રણેક ડિગ્રી વધારે રહેવાની શક્યતા હવામાન ખાતાના નિષ્ણાતો જોઈ રહ્યા છે. હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ મંગળવારે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી હતું તે રવિવારે મતદાનના દિવસે ૪૩ ડિગ્રી થઈ જાય તેવી શક્યતા છે. રવિવારે સવારનું લઘુત્તમ તાપમાન પણ રૂટીન કરતાં ત્રણેક ડીગ્રી જેટલું વધુ એટલે કે ૨૭ડિગ્રી રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે ઉનાળામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ જુદી જુદી સિસ્ટમના કારણે રવિવારે રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ ૬૦% આસપાસ રહેવાની શક્યતા છે અને તેના કારણે મતદારોને ગરમીની સાથે બફારાનો પણ અનુભવ કરવો પડે તેવી શક્યતા છે. માત્ર રાજકોટમાં જ આવું છે તેમ નથી. પરંતુ શુક્રવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ૪ ડિગ્રી જેટલું વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ૪૩ ડિગ્રી આસપાસ ગરમી પહોંચી જશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ થી ૬૫ ટકા જેટલું રહેશે તેવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. દરિયાઈ સિસ્ટમના કારણે સુરતમાં આ મામલે થોડી રાહત રહે તેવું જણાય છે. સુરતમાં મહત્તમ તાપમાન રવિવારે ૩૭ ડિગ્રી આસપાસ રહેશે અને ભેજનું પ્રમાણ ૬૮ થી ૭૦% રહેવાની સંભાવના છે. આવી જ રીતે સુરતમાં રવિવારે સવારનું લઘુતમ તાપમાન પણ અન્ય શહેરો કરતા બે ડિગ્રી જેટલું ઓછું ૨૫ ડિગ્રી આસપાસ રહે તેવું લાગે છે. વડોદરા બાબતે હવામાન ખાતાના જાણકારો કહે છે કે ત્યાં રવિવારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહેવાની શક્યતા છે.