BREAKING NEWS

ગુજરાતમાં આદિવાસી સમાજના મૂળના રોગોને સમજવા માટે 4000 ડીએનએ સેમ્પલ લેવાશે, આવું કરનાર દેશનું પહેલું રાજ્ય બનશે

  • May 22, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારે રાજ્યના આદિવાસી સમુદાયોના આરોગ્ય સ્તરમાં ધરમૂળથી સુધારો કરવા અને વારસાગત જીનેટિક રોગોને જડમૂળથી સમજવા માટે એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પહેલની જાહેરાત કરી છે. 'ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ' અંતર્ગત અંદાજે ૪,૦૦૦ જેટલા બાયોલોજિકલ (ડીએનએ) સેમ્પલ એકત્રિત કરવામાં આવશે, જેમાંથી લગભગ ૨,૦૦૦ વ્યક્તિઓના સંપૂર્ણ જિનોમનું સિક્વેન્સિંગ કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પોતાના આદિજાતિ સમુદાય માટે ખાસ જીનોમિક ડેટાબેઝ તૈયાર કરનાર ભારતનું સર્વપ્રથમ રાજ્ય બનવાની દિશામાં અગ્રેસર થયું છે.


રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ભવિષ્યનો વિચાર કરીને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર અને બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની પાયાશીલા નાખી હતી. આ સંસ્થાઓના માધ્યમથી હવે ૨૦ જેટલા અલગ-અલગ આદિજાતિ સમુદાયોમાંથી સ્ત્રી અને પુરુષોના સમાન માત્રામાં સેમ્પલ લઈ સંશોધન કરાશે. આ ડેટાના આધારે ભવિષ્યની પેઢીઓને જીનેટિક રોગોથી બચાવવા માટે લગ્ન પહેલાં જીનેટિક કાઉન્સેલિંગ (માર્ગદર્શન) આપવામાં મોટી મદદ મળશે.


હાલના સમયમાં આદિવાસી સમુદાયોમાં સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, સામાન્ય એનિમિયા, જી6પીડી ડીફિશિયન્સી અને કેટલાક ખાસ પ્રકારના કેન્સર જેવા જીનેટિક રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારે જોવા મળે છે. સિકલ સેલ એનીમિયા એ રક્તકણમાં રહેલા ખામીયુક્ત હીમોગ્લોબિનના કારણે થતો ખતરનાક વારસાગત રોગ છે, જેમાં રક્તકણોનો આકાર ગોળમાંથી દાતરડા જેવો થઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનની કમી વર્તાય છે. આ રોગોને નવી પેઢીમાં પ્રસરતા અટકાવવા માટે પ્રિવેન્ટિવ હેલ્થકેર (અગમચેતીના પગલાં) અંતર્ગત જીનોમ સિક્વન્સિંગ રામબાણ ઈલાજ સાબિત થશે.


વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં આશરે ૧૪.૭૫ ટકા આદિજાતિ વસ્તી વસે છે. ભારતમાં સિકલ સેલના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારો મુખ્ય છે. ખાસ કરીને દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના સ્થાનિક લોકોમાં આ રોગનું પ્રમાણ ઘણું વધારે છે. અત્યાર સુધી આ વસ્તીની જીનેટિક માહિતી ખૂબ મર્યાદિત હતી, પરંતુ આ પ્રોજેક્ટ બાદ દરેક વિસ્તાર અને સમુદાય વાઈઝ સચોટ વિગતો ઉપલબ્ધ બનશે.


ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, માનવ જીનોમ અંદાજે ૩.૨ બિલિયન ડીએનએ બેઝ પેરથી બનેલું હોય છે. બે વ્યક્તિઓ વચ્ચે માત્ર ૦.૧ ટકા જેટલી જ જીનેટિક ભિન્નતા હોય છે, પરંતુ આ નાની ભિન્નતા જ રોગ પ્રત્યેની સંવેદનશીલતા અને દવાઓની અસર નક્કી કરે છે. જીબીઆરસી સંસ્થા અગાઉ કોવિડ-૧૯ દરમિયાન પણ ૧૪,૦૦૦થી વધુ જીનોમ સિક્વેન્સિંગ સફળતાપૂર્વક કરી ચૂકી છે. આ નવો પ્રોજેક્ટ ભવિષ્યમાં જીનેટિક રોગોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દિશામાં દેશ માટે એક મોટો માઇલસ્ટોન (મઈલસ્ટોન) સાબિત થશે અને આ મોડેલ આગામી સમયમાં અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News