જામનગરમાં એકના ડબલની સ્કીમમાં અમદાવાદની એક મહિલા સહીતના ચાર શખ્સોની ચુંગાલમાં ફસાયેલા એક યુવાન ૨૩.૯૮ લાખ જેવી માતબર રકમ ગુમાવી હોવાનું બહાર આવ્યુ છે, દરમ્યાન ચીટર ટોળકી સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
રૂપિયા કમાવવાની લાયમાં શોર્ટકટ કરનારા માટે લાલબતી રૂપ કિસ્સો સામે આવ્યો છે. એકના ડબલની લાલચમાં સ્કીમ હેઠળ રોકાણ કરવાથી બે ગણુ રીટર્ન મળશે તેમ કહીને ચુનો ચોપડનારાના કિસ્સા દિન પ્રતિદિન બહાર આવી રહયા છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એક કોન્ટ્રાકટર એકના અનેક કરવાની લાલચમાં આવી ગયા અને ઠગબાજોની સ્કીમનો ભોગ બની જતા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. અમદાવાદના ચાર શખ્સોએ આ આસામીને મોટા વળતરની લાલચ આપી ૨૩.૯૮ લાખની રકમ ખંખેરી લીધી હોવાનું જાહેર થયું છે. પોલીસે અમદાવાદના ૪ શખ્સો સામે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.
ટૂંકા ગાળામાં પૈસાદાર કે પૈસા કમાવવા માટે અમુક સાતીર સખ્સો અનેક લોકોને છેતરવા બજારમાં નીકળી પડે છે, એવા જ અમદાવાદ રહેતા મનોજ પટેલ રહે.અમદાવાદ મો.નં.૯૨૧૬૪૫૬૬૦૪, ૯૦૬૭૨૪૪૧૭૨, હરીશ બારૈયા રહે.અમદાવાદ મો.નં.૯૯૯૮૫ ૬૨૦૮૮, પુજા રાવત રહે.અમદાવાદ મો.નં.૬૩૭૬૧ ૪૭૮૮૪, ૬૩૫૯૧ ૧૧૫૭૧ અને ભવ્ય પટેલ રહે.અમદાવાદ મો.નં.૮૭૮૦૭ ૩૪૨૪૩, ૯૪૨૬૦૨૬૧૮૧ વાળા શખ્સોએ પૈસા કમાવવા સુયોજિત પ્લાન રચ્યો હતો.
જે મુજબ રાજ્યભરમાં પોતાના પરિચિતોને જાણ કરી એકના અનેક રૂપિયા કરી આપવા માટે રોકાણની સ્કીમ લોન્ચ કરી, બે ગણું રીટર્ન આપવાની સ્કીમ તૈયારી કરી આ શખ્સોએ એક્સીસવર્ડ કંપનીમાં રોકાણના નામે જાળ બિછાવી હતી.
અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત અને ભવ્ય પટેલ નામના શખ્સોએ એકના ડબલ આપવાની સ્કીમ લોન્ચ કરી જાળ બિછાવી હતી. જામનગર ખાતે તા.૧૫/૯/૨૦૨૪ના રોજ હોટેલ વિવિધ ખાતે એક સેમીનારનું આયોજન કર્યુ હતું. જેમાં અમદાવાદની ટોળકીએ એકસીસ વર્લ્ડ કંપનીમાં રોકાણ કરવાથી બે ગણુ રીટર્ન મળશે અને આવી વાતો કરી ફરીયાદી સહિતનાઓને વિશ્ર્વાસમાં લીધા હતા.
હોટેલમાં યોજેલ સેમીનારમાં આરોપીઓએ જે તે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવા ઇચ્છે તો તેઓએ પોતાના નાણા આંગડીયા મારફત મોકલવાના રહેશે, એવો નિયમ બનાવાયો, જે નાણા ચારેય શખ્સોને મળે છે તે નાણાને તેઓ ડોલરમાં ક્ધવર્ટ કરી એટલે કે ડોલરની ખરીદી કરશે એમ કહેવાયું હતું. જો કે રોકાણ માટે એક માત્ર આંગડીયા નહિ પરંતુ બેંક કે રોકડ રૂપે પણ નાણા સ્વીકારવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું.
એક ખાનગી કંપનીમાં પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત એવા મયુર કાન્તીભાઈ ગોહેલએ જામનગર ખાતે તા. ૧૫/૯/૨૦૨૪ના રોજ યોજેલ સેમીનારમાં ભાગ લીધો હતો. જે સ્કીમ સારી લાગતા તેઓએ અલગ અલગ સમયે આંગડીયા તથા બેન્ક મારફતે કુલ રૂ. ૨૩.૯૮.૭૦૦ મોકલીને રોકાણ કર્યુ હતું. જો કે લાંબો સમય થઇ જતા જેનુ કોઇ રીટર્ન નહીં આપી આરોપીઓએ વિશ્ર્વાસઘાત કર્યાનું સામે આવ્યુ હતું.
દરમ્યાનમાં સમર્પણ સર્કલ અપુર્વા એપાર્ટમેન્ટ ખાતે રહેતા મયુરભાઈ ગોહેલે સીટી સી ડીવીજન પોલીસમાં અરજી કરી પોતાની ફરિયાદ આપી હતી.પોલીસે અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત, ભવ્ય પટેલ આ ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૫૪ મુજબ ફરિયાદ નોંધી છે જેની તપાસ પીએસઆઇ ચાવડા ચલાવી રહયા છે દરમ્યાન એવી પણ વિગત જાણવા મળી છે કે અન્ય લોકો પણ ચીટર ટોળકીનો શિકાર બન્યા છે આથી આ દીશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી છે.
ઓનલાઈન નફો બતાવે ખાતામાં વિથ ડ્રો ન થઇ શકે...
મયુરભાઈએ આશરે ૨૪ લાખનું રોકાણ કર્યા બાદ કંપનીના સોફ્ટવેરમાં તેની એન્ટ્રીઓ પણ બતાવતી હતી, અને આ રોકાણ બાદ મળેલ નફો પણ થતો હતો. તગડા રોકાણ બાદ મયુરભાઈએ જોઈતી રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે તે એકાઉન્ટમાથી બેંક ખાતામાં ટ્રાન્સફર થતી ન હતી. જેથી તેઓએ કંપનીના ઠગબાજોનો સંપર્ક કર્યો હતો પરંતુ ઠગબાજો યેનકેન ઉતર આપી દેતા હતા. અને એ પછી ફોન બંધ કરી દેવાયા હતા.