જસદણ પંથકમાં બે ખેતરમાંથી ૨૦૮ કિલો ગાંજો ઝડપાયા

  • December 07, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જસદણ પંથકમાં એસઓજી અને જસદણ પોલીસે અલગ અલગ બે દરોડા પાડી રૂ.૨૦.૮૧ લાખની કિંમતના ૨૦૮ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો.ગાંજાના આ જથ્થા સાથે પોલીસે બે શખસોને ઝડપી લીધા હતાં.વીંછિયાના પાટીયાળી ગામની સીમમાં એસઓજીની ટીમે જયારે કાળાસર ગામની સીમમાં ખેતરમાંથી જસદણ પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જિલ્લામાં માદક પદાર્થના વેચાણ અને સેવનને અટકાવવા માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેના પગલે રાજકોટ ગ્રામ્ય એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી.સી.મિયાત્રાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. જયવિરસિંહ રાણા, કોન્સ. વિજયગીરી ગોસ્વામીને વીંછિયાના પાટિયાળી ગામની સીમમાં આવેલી ધીરૂ ખોડા તાવિયાની વાડીમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની ચોક્કસ બાતમી મળી હતી.જેથી એસઓજીની ટીમ અહીં દોડી ગઇ હતી, પોલીસ પહોંચી ત્યારે ખેતરમાં દેખીતી રીતે કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું, પરંતુ હકીકતના આધારે ખેતરના જુદા જુદા ભાગમાં વિશેષ તપાસ કરતાં પશુ બાંધવાના ઢાળિયામાંથી બે કોથળા શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, પીઆઇ મિયાત્રાએ જથ્થો સ્પષ્ટ કરવા એફએલએલની ટીમને બોલાવતા એ જથ્થો ગાંજો હોવાનું ખુલ્યું હતું.



પોલીસને બંને કોથળામાંથી રૂ.૪,૮૭,૭૪૦ની કિંમતનો ૪૮.૭૭૪ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે વાડીમાલિક પાટિયાળીના ધીરૂ ખોડા તાવિયા (ઉ.વ.૫૬)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં ધીરૂએ કબૂલાત આપી હતી કે પોતે ૨૦ વીઘામાં ગાંજાનું વાવેતર કર્યું હતું અને દશ દિવસ પૂર્વે જ પાક તૈયાર થઇ જતાં ગાંજાના તમામ છોડ ઉખેડી ગાંજો તૈયાર કરી લીધો હતો. ગત વર્ષે પણ ધીરૂ તાવિયાએ ગાંજાનું વાવેતર અને વેચાણ કર્યું હતું.



બીજી તરફ જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ મથકના પીએસઆઇ આર.એસ.સાકળીયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાં કોળીંબા સીમ પાસે આવેલા ધનજી કોતરાના ખેતરમાં તપાસ કરતા અહીં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવતેર કર્યું હોવાનું માલુમ પડયું હતું.ગાંજો તૈયાર થઇ ગયા બાદ વાવેતર ઉતારી લઇ અહીં ખેતરમાં આવેલી ઝુંપડી પાસે રાખ્યું હોવાનું માલુમ પડતા પોલીસે અહીં તપાસ કરી હતી.જેમાં રૂ.૧૫.૯૩ લાખનો ૧૫૯ કિલો ૩૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાંજાના આ જથ્થા સાથે ધનજી નાનજીભાઇ કોતરા(ઉ.વ ૭૨ રહે.કાળાસર તા. જસદણ) ને ઝડપી લીધો હતો. પોલીસની પુછતાછમાં તેણે આ પ્રથમ વખત જ ગાંજાનું વાવેતર કર્યું હોય અને એક પાડામાંથી બે દિવસ પૂર્વે જયારે અન્ય પાડામાંથી દરોડો પડયો તેના દશેક મીનીટ પૂર્વે જ વાવેતર ઉતાર્યુ હોવાનું જણાવ્યું હતું.



આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર પ્રથમ વખતમાં જ કર્યું હોય તે વાત પોલીસને ગળે ઉતરે તેમ નથી.ગાંજાનું વાવેતર કરી માલ કોને સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આ કામીગીરીમાં જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાની અને પીએસઆઇ આર.એસ.સાકળીયાની રાહબરીમાં ટીમના એઅસઆઇ ભુરાભાઇ માલીવાડ, હેડ કોન્સ.સાગરભાઇ મકવાણા, રવિરાજસિંહ જાડેજા,પ્રણવભાઇ વલાણી, કોન્સ. અજીલભાઇ, રણજીતભાઇ, અશોકભાઇ સહિતના કામગીરીમાં સાથે રહ્યા હતાં.


સૌરાષ્ટ્રભરમાં જસદણ પંથકમાંથી ગાંજાની સપ્લાય થતી હોવાની શંકા
જસદણ પંથકમાં અલગ અલગ બે ખેતરમાંથી ૨૦૮ કિલો ગાંજો મળી આવ્યો હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેની સપ્યાલ માત્ર જસદણ પંથક પૂરતી મર્યાદિત ન હોય ત સ્વાભાવિક છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં જસદણ પંથકમાંથી ગાંજાની સપ્યાલ થતી હોવાની શંકા સેવાઇ રહી છે.ત્યારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application