BREAKING NEWS

રાજકોટવાસીઓ ભૂલથી પણ આ રેસ્ટોરન્ટ્સમાં પગ ન મુકતા, ફૂડ વિભાગના દરોડામાં 1503 કિલો ગંધ મારતું ખાવાનું મળ્યું

  • June 23, 2026 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ ૮૭ રેસ્ટોરન્ટ અને પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૫૦૩ કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર 25 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને સ્વચ્છતા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી, તેમજ કુલ રૂ. ૧,૧૧,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપાની આ આકરા પગલાંની કામગીરીથી ખાદ્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકીને રોકવા માટે ફૂડ વિભાગની ટીમોએ સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કડક કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે કુલ 87 પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 1,503 કિલોગ્રામ અખાદ્ય તેમજ વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશનના નિયમોનો ભંગ કરવા બદલ કુલ 25 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને સ્થળ પર જ કુલ રૂ. 1,11,300ની વહીવટી પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.  


વિસ્તાર વાઈઝ વાસી ખોરાક પિરસતી રેસ્ટોરન્ટ્સ

જામનગર રોડ અને માધાપર ચોકડી


શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સમાંથી 800 કિલો જથ્થો જપ્ત

શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સ: જામનગર રોડ, માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી આ પેઢીમાંથી તબીબી તપાસ દરમિયાન પડતર પડેલો સિરિયલ પ્રોડક્ટનો કુલ 800 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરાયો હતો અને રૂ. 10,000નો દંડ વસૂલાયો હતો.  

જય ખોડિયાર રેસ્ટોરન્ટ: અહીંથી 25 કિલો વાસી જથ્થાનો નાશ કરી નોટિસ અપાઈ હતી તેમજ રૂ. 10,000નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.  

શ્રી બાલાજી રેસ્ટોરન્ટ: ૧૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી સંચાલકોને નોટિસ પાઠવી રૂ. 10,000નો દંડ કરાયો હતો.  

શ્રી બાલાજી રેસ્ટોરન્ટ: ૧૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી સંચાલકોને નોટિસ પાઠવી રૂ. 10,000નો દંડ કરાયો હતો.  

સીતારામ ફૂડ ઝોન અને ક્રિશ ફાસ્ટ ફૂડ: સીતારામ ફૂડ ઝોનમાંથી 5 કિલો જથ્થાનો નાશ કરી રૂ. 5,000 અને ક્રિશ ફાસ્ટ ફૂડમાંથી 10 કિલો વાસી સામગ્રી બદલ રૂ. 2,000નો દંડ કરાયો હતો.  


કોઠારીયા અને સ્વાતિ મેઇન રોડ


ફેમિલી ફેન્સી ઢોસા અને સૂર્યા ઢોસા: ફેમિલી ફેન્સી ઢોસામાંથી 15 કિલો જથ્થાના નાશ સાથે રૂ. 2,000 અને સૂર્યા ઢોસામાંથી 10 કિલો જથ્થો નાશ કરી રૂ. 2,000નો ચાર્જ વસૂલ કરાયો હતો.  

સીતારામ રેસ્ટોરન્ટ/રામદેવ રાજસ્થાની દાલબાટી: ૧૦ કિલો અખાદ્ય જથ્થો નાશ કરી રૂ. 2,000ની પેનલ્ટી કરાઈ હતી.  

પુનિત નગર 80 ફૂટ રોડ અને મવડી વિસ્તાર

પુનિત નગર રોડ: ખોડલધામ ફાસ્ટફૂડ (9 કિલો વાસી ખોરાકનો નાશ, રૂ. 1,000 દંડ), જલિયાણ પાઉંભાજી (વાસી જથ્થાનો નાશ, રૂ. 500 દંડ), દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી (9 કિલો વાસી મંચુરિયન નાશ, રૂ. 500 દંડ), અને બાપા સીતારામ નાસ્તા ગૃહમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. વી.એસ. ઢોસા પેઢીમાંથી 17 કિલો સામગ્રીનો નાશ કરી રૂ. 1,000 વસૂલાયા હતા. આ વિસ્તારમાં મવડી ઢોસા હાઉસ, પટેલ રેસ્ટોરન્ટ સહિતની પેઢીઓમાં તપાસ કરાઈ હતી.


મવડી ચોકડી 

શુભમ ફેમિલી રેસ્ટોરન્ટમાંથી 15 કિલો વાસી ચટણી-શાકભાજીનો નાશ કરી રૂ. 2,000 દંડ અને U.K. ડાઈનિંગ હોલમાંથી 30 કિલો સડેલી ડુંગળી અને કેળાંનો નાશ કરી રૂ. 2,000નો દંડ ફટકારાયો હતો. સ્વામીનારાયણ પેટ પૂજાને રૂ. 1,000 અને શિવ રેસ્ટોરન્ટને રૂ. 2,000નો દંડ કરી નોટિસ અપાઈ હતી.  


સેન્ટ્રલ બસ સ્ટેન્ડની પાછળ વ્યાપક દરોડા

બસ સ્ટેન્ડ પાછળ આવેલી ઠાકોરજી રેસ્ટોરન્ટમાંથી 15 કિલો અખાદ્ય લોટ અને મસાલાનો નાશ કરી રૂ. 2,000નો દંડ કરાયો હતો. શ્રી ચાઇનીઝ & પંજાબીમાંથી 11 કિલો વાસી સોસ-ગ્રેવીનો નાશ કરી રૂ. 1,000નો દંડ કરાયો હતો. સુનિલ રેસ્ટોરન્ટ (4 કિલો નાશ, રૂ. 2,000 દંડ), શ્યામ છોલે-ભટુરે (3 કિલો અખાદ્ય તેલ, રૂ. 500/- દંડ), રાજ ઘૂઘરા (2 લિટર ચટણી નાશ, રૂ. 500 દંડ) અને માં શક્તિ ગાંઠિયામાંથી 6 કિલો અખાદ્ય તેલ અને સાંભારાનો નાશ કરી રૂ. 2,000નો વહીવટી ચાર્જ લેવાયો હતો. આ ઉપરાંત નકલંગ નાસ્તા હાઉસ, શ્રીરામ લસ્સી, હિના ફેમિલી રેસ્ટોરન્ટ, માધવ ડાઈનિંગ અને મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા સહિતની અનેક નામાંકિત પેઢીઓમાં પણ કડક તપાસ કરવામાં આવી હતી.


રૈયા રોડ, કાલાવડ રોડ અને પેડક રોડ

રૈયા રોડ: કોટેચા ચોકથી હનુમાન મઢી રોડ પર આવેલ શ્રી હરી નમકીન, જે.કે. થાળ, તિરુપતિ મદ્રાસ કાફે અને ધર્મનંદન લાઈવ પફ સહિત ૧૧ પેઢીઓમાં સ્થળ તપાસ કરાઈ હતી.

કાલાવડ રોડ: આત્મીય કોલેજ સામે આવેલ શ્રી રામ દાળપકવાન, પીઝા પીલ અને ભગવતી નાસ્તા સેન્ટરને લાઇસન્સ બાબતે જ્યારે શ્રીનાથજી ફાસ્ટ ફૂડને હાઇજિન બાબતે નોટિસ અપાઈ હતી.  

પેડક રોડ/સંતકબીર રોડ: શ્રી રવેચી હોટલમાંથી 6 કિલો અખાદ્ય જથ્થો નાશ કરી રૂ. 2,000 દંડ કરાયો હતો. મહાવીર પાઉંભાજીમાંથી 16 કિલો વાસી પાઉં અને પુલાઉનો નાશ કરી રૂ. 5,000 દંડ, શ્રી રેસ્ટોરન્ટમાંથી 15 કિલો સામગ્રી નાશ કરી રૂ. 2,000 દંડ અને વિન્ટેજ ઢોસામાંથી 5 કિલો વાસી નૂડલ્સ-કોબીનો નાશ કરી રૂ. 2,000નો દંડ વસૂલાયો હતો. શિવમ ફાસ્ટ ફૂડમાંથી હાનિકારક 'આજીનો મોટો' નો જથ્થો પકડી નાશ કરાયો હતો અને રૂ. 2,000નો દંડ કરાયો હતો.  

તંત્રની આ કડક કાર્યવાહીથી અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ ફૂડ વિભાગ દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application