પોતાની ઘરેલું આર્થિક કટોકટી અને બેકાબૂ મોંઘવારી સામે ઝઝૂમી રહેલું તુર્કી અચાનક વિશ્વનું સૌથી મોટું સોનું વેચનાર રાષ્ટ્ર બની ગયું છે. 'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, તુર્કીની સેન્ટ્રલ બેંકે માત્ર 14 દિવસના ગાળામાં 8 અબજ ડોલર (અંદાજે ₹67,000 કરોડથી વધુ) ની કિંમતનું 58 ટન સોનું વેચી માર્યું છે. આટલી મોટી માત્રામાં સોનાના વેચાણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર સીધી અસર જોવા મળી છે.
14 દિવસમાં કેવી રીતે ખેલ ખેલાયો?
તુર્કીએ બે તબક્કામાં આ જંગી વેચાણ કર્યું છે:
પ્રથમ સપ્તાહ (13 માર્ચ સુધી): 6 ટન સોનાનું વેચાણ.
બીજું સપ્તાહ (20 માર્ચ સુધી): 52.4 ટન સોનાનું વેચાણ.
આ વેચાણ પછી તુર્કીનો કુલ સુવર્ણ ભંડાર ઘટીને 513 ટન રહી ગયો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચલી સપાટી છે. આ વેચાણ એટલું મોટું હતું કે તેણે વૈશ્વિક સ્તરે ગોલ્ડ-બેક્ડ ETF માંથી થતી નિકાસને પણ પાછળ છોડી દીધી છે.
તુર્કીએ આ આઘાતજનક પગલું પોતાની કરન્સી 'લીરા'ને ગગડતી બચાવવા માટે ભર્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઉર્જા આયાતનો ખર્ચ આસમાને પહોંચ્યો છે અને બજારમાં અમેરિકી ડોલરની માંગ વધી છે. લીરાને સ્થિર રાખવા અને બજારમાં રોકડ પ્રવાહ જાળવી રાખવા માટે તુર્કીએ પોતાના સોનાના ભંડારનો ઉપયોગ કરવો પડ્યો છે. તુર્કીનું વિદેશી મુદ્રા ભંડાર પણ ઘટીને 175 અબજ ડોલર પર આવી ગયું છે, જે 2025 પછીનું સૌથી નીચું સ્તર છે.
શું સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે?
જ્યારે આટલી મોટી માત્રામાં સોનું એકસાથે બજારમાં આવે છે, ત્યારે પુરવઠો વધવાને કારણે કિંમતો ઘટવી સ્વાભાવિક છે. લંડનના બજારમાં આ સોદાઓ થયા બાદ હાજર બજાર (Spot Market) માં સોનાના ભાવમાં 3.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માને છે કે જો ઉર્જા સંકટ ચાલુ રહેશે, તો તુર્કી હજુ પણ વધુ સોનું બજારમાં ઠાલવી શકે છે.
ભારતીય ખરીદદારો માટે સંકેત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટવાનો સીધો અર્થ એ છે કે આગામી દિવસોમાં ભારતીય સ્થાનિક બજારમાં પણ સોનું સસ્તું થઈ શકે છે. લગ્નસરાની સીઝન પહેલા આ પ્રકારનો વૈશ્વિક ઘટાડો ભારતીય મધ્યમવર્ગીય પરિવારો માટે ખરીદીની સારી તક સાબિત થઈ શકે છે. જોકે, નિષ્ણાતો સાવચેત કરી રહ્યા છે કે યુદ્ધની સ્થિતિ બદલાતા ભાવ ફરી ઉછળી પણ શકે છે.