ખંભાળિયા નજીક આઈસર વાહનમાં લઈ જવાતા ભેંસ સહિતના 13 પશુઓને બચાવી લેવાયા

  • December 23, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંભવિત રીતે કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલું વાહન કબજે: એક શખ્સ ફરાર



ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પરથી ગત સાંજે ભેંસ તેમજ નાના પાડરડા ભરેલો એક આઈસર ટ્રક પશુ સેવકોએ અટકાવીને ચેકિંગ કરતા આ વાહનમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 13 પશુઓ જોવા મળ્યા હતા. જેથી કાર્યકરોએ આ અંગે ખંભાળિયા પોલીસને જાણ કરી, જરૂરી ફરિયાદ નોંધાવી હતી.


આ સમગ્ર બાબત અંગે પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના ગૌસેવક રવિભાઈ વકાતરને માહિતી મળી હતી કે અત્રે પોરબંદર રોડ પર આવેલી પાયલ હોટલ નજીકથી પસાર થતા જી.જે. 37 ટી. 7641 નંબરના એક આઈસર ટ્રકમાં ખીચોખીચ પશુઓ ભરીને થતો હોવાથી કાર્યકરો દ્વારા પૂરઝડપે જતા આ ટ્રકને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ પુરપાટ વેગે આ આઈસર ટ્રક નાસી છૂટ્યો હતો.


આ પછી કથિત રીતે પશુઓને કતલખાને કપાવવા માટે લઈ જવામાં આવતો હોવાની આશંકા પરથી ઉપરોક્ત આઈસર ટ્રકને અત્રે જામનગર માર્ગ પર આવેલા ધરમપુર ટોલ ગેઈટ પાસે અટકાવીને ચેકિંગ કરવામાં આવતા તેમાં 9 મોટી ભેંસ તેમજ ચાર નાના પાડરડા (પશુ) ભરેલા હોવાનું ધ્યાન આવ્યું હતું. આઈસરમાં ઉપરોક્ત તમામ 13 પશુઓને ટૂંકા દોરડા વડે ખીચોખીચ બાંધી અને હલનચલન પણ ન કરી શકે તેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ટ્રકમાં પશુઓ માટે ચારા કે પાણીની પણ વ્યવસ્થા ન હતી. આ પશુઓ બાબતે ટ્રકના ચાલક હમીર નેભા આંબલીયા (ઉ.વ. 34, રહે. હંજરાપર, તા. ખંભાળિયા) ને પૂછવામાં આવતા ઉપરોક્ત પશુઓ તે હંજરાપર ગામે રહેતા પ્રવીણભાઈ દેવાયતભાઈ આંબલીયાના ઘરેથી તેમની માલિકી પાસેથી લીધા હોવાનું તેમજ આ પશુઓને સુરત ખાતે રહેતા એક આસામીને આપવા માટે જતા હોવાનું જણાવ્યું હતું.

આ દરમિયાન આઈસર ચાલક હમીર આંબલીયાની બાજુમાં રહેલો ક્લિનર ક્યાંક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બાબત અંગે ગૌ સેવકોએ પોલીસને જાણ કરી ટ્રક તેમજ પશુઓનો કબજો પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર દેશુરભાઈ ગગુભાઈ ધમા (ઉ.વ. 30, રહે. હરસિધ્ધિ નગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈસરના ચાલક હમીર નેભા આંબલીયા તેમજ ક્લીનર સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ બી.એમ. ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application