BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.બોર્ડમાં એક સેકન્ડમાં ૧૨ દરખાસ્ત મંજૂર, જાણો એક કલાકમાં શું શું થયું

  • January 20, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં એજન્ડા માં રહેલી ૧૨ દરખાસ્તો અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાનું દૂર દરખાસ્તોનું વાંચન પણ કર્યા વિના ફક્ત એક સેકન્ડમાં ૧૨ દરખાસ્તો મંજૂર કરાઇ હતી.


પ્રશ્નોતરીકાળ સાથેના ચાલુ ટર્મના સંભવત: અંતિમ એવી જનરલ બોર્ડ મિટિંગમાં પણ બેફામ રાજકીય આક્ષેપબાજી અને નૌટંકી થઈ હતી. એક કલાક ચાલેલી બોર્ડ મિટિંગની સમગ્ર કાર્યવાહીનો ઘટનાક્રમ જોઇએ તો સવારે ૧૧ વાગ્યે વંદે માતરમથી સભા પ્રારંભ થયો હતો ત્યારબાદ ૧૧:૦૧ થી ૧૧:૦૮ સુધી ૭ મિનિટમાં બે શોક ઠરાવ, એક અભિનંદન પ્રસ્તાવ ને ગત મિટિંગના રોજકામને બહાલી અપાઇ હતી. ત્યારબાદ ૧૧:૦૮થી ૧૧:૫૮ સુધી પ્રથમ પ્રશ્નની ચર્ચા થઇ હતી. જ્યારે ૧૧:૫૯એ એકસાથે ૧૨ દરખાસ્તને બહાલી અપાયા બાદ વંદે માતરમ્ ગાન સાથે ૧૨ વાગ્યે સભા પૂર્ણ થઇ હતી.


જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં મંજૂર થયેલી દરખાસ્તો


(૧) વોર્ડ નં.૧૨માં મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભારત રત્ન તેમજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૨) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક પાસે આવેલ ગાર્ડનને શહિદ હેમુ કાલાણી ગાર્ડન નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૩) વોર્ડ.નં.૧૦માં યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સામે આવેલ ગાર્ડનને વિર શહિદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૪) રાજકોટ રેલ્વે જંકશન સામે રસ્તા પૈકીની જમીન ઉપરથી દૂર કરાવેલ દુકાનોના માલિકોને વૈકલ્પિક જમીન ફાળવવાનું સર્વાનુમતે મંજૂર

(૫) વોર્ડ નં.૧૨માં વેસ્ટઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના( મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવાનું સર્વાનુમતે મંજૂર

(૬) રાજકોટ મહાપાલિકા માટે રૂ.૨૦૦ કરોડ સુધીની લોન અથવા ઓવર ડ્રાફ્ટ, લાઈન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાની દરખાસ્ત તરફેણમાં ૬૫ વિરુદ્ધ ચારની બહુમતીથી મંજૂર

(૭) રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારને તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને અને કાયમી અશક્ત જાહેર થાય અથવા સફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાય અથવા સફાઈ કામદાર લાપતા હોય તેવા સંજોગોમાં તેના કોઈ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારો કરવાનું સર્વાનુમતે મંજૂર

(૮) વોર્ડ.નં.૧૦માં આવેલ એસ.એન.કે. સ્કુલ પાસેના ચોકથી આગળના જે.કે.ચોકથી જુના યુનિવર્સિટી રોડ, (નીલ સિટી કલબ બાજુના માર્ગ)ને ઉમીયાજી માર્ગ નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૯) વોર્ડ.નં.૫માં આવેલ રણછોડનગર શેરી નં.૧૦ને સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી માર્ગ નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૧૦) વોર્ડ.નં.૪માં આવેલ લાલપરી મેલડી માતાજી પાસે તેમજ ખોડલ ધામ રેસીડેન્સી તથા ગ્રીન સિટી સોસાયટી મેઇન રોડ પાસે આવેલ ચોકને સરદાર પટેલ ચોક નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૧૧) વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ હુડકો ફાયર સ્ટેશનવાળા ચોકને જયંતભાઈ ઠાકર ચોક નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર

(૧૨) વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર આવેલ લેઉવા પટેલ કન્યા છાત્રાલય મેઇન ગેઇટ સામેના રોડ, ખોડીયાર નગર શાક માર્કેટ સુધીના માર્ગને આઈશ્રી સોનલમાં માર્ગ નામકરણ કરવાનું સર્વાનુમતે મંજૂર કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application