દ્વારકા, ખંભાળિયા, પાલીતાણા, ચોટીલા સહિત રાજ્યની 12 નગરપાલિકા અપગ્રેડ

  • March 12, 2025 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી મહાનગરપાલિકાઓની રચના અને પંચાયતોની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પછી ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભૌગોલિક ફેરફારો થયા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે સૌરાષ્ટ્રની ચાર સહિત રાજ્યની 12 નગરપાલિકાઓને અ વર્ગમાં અપગ્રેડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ અને 2,500 વર્ષ જેટલા પૌરાણિક- ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરના સ્થાનને ધ્યાનમાં રાખીને વડનગર નગરપાલિકાને ખાસ કિસ્સામાં અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષ સી. વાળા દ્વારા આ સંદર્ભે ખાસ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લા મથકની નગરપાલિકા ખંભાળિયા લુણાવાડા મોડાસા વ્યારા છોટા ઉદયપુર દાહોદ અને રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવેલ છે. જ્યાં ધાર્મિક સ્થળોની નગરપાલિકા છે ત્યાં રોજબરોજ આવતા યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકા પાલીતાણા ચોટીલા અને ડાકોર ને નગરપાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. આવી જ રીતે વડનગરના 2,500 વર્ષ જેટલા પૌરાણિક વારસાને ધ્યાનમાં રાખીને આ નગરપાલિકાને પણ અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા સરકારને આ સંદર્ભે અલગ અલગ બે તબક્કે નગરપાલિકાઓના વર્ગમાં સુધારો કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં શહેરી વિસ્તારમાં વસતા લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થયો છે. ભારત સરકારના સેન્સસ ડેટા મુજબ શહેરી વસ્તી વિકાસ દર 38% છે. તેમજ શહેરી વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો અને ઔદ્યોગિક એકમોને કારણે તે વિસ્તારમાં ફ્લોટિંગ પોપ્યુલેશનનું પ્રમાણ વધુ હોવાથી આવી નગરપાલિકાઓને વર્ગ ફેરફાર ની જરૂરિયાત હતી.

છેલ્લે રાજ્ય સરકાર દ્વારા તારીખ 22 -9- 2020 ના પરિપત્રથી 156 નગરપાલિકાઓનું અ બ ક અને ડ વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવેલું હતું. આ માટે વસ્તીના માપદંડ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. વર્ગીકરણ પછી નગરપાલિકાઓની સંખ્યા અને હદ વિસ્તારમાં ફેરફાર થવાના કારણે નવેસરથી વર્ગીકરણની જરૂરિયાત ઊભી થઈ હતી. આ બાબતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છમાં સપ્ટેમ્બર 2022 ના જાહેરનામાંથી નખત્રાણા જુથ ગ્રામ પંચાયતને મોટા નખત્રાણા નાના નખત્રાણા બેરુ વગેરે ભેળવીને નખત્રાણા નગરપાલિકા જાહેર કરી હતી. આવી જ રીતે નવેમ્બર 2024 ના જાહેરનામાથી ટંકારા ગ્રામ પંચાયત અને આર્ય નગર ગ્રામ પંચાયત નાના શહેરી વિસ્તાર તરીકે જાહેર કરીને ટંકારા નગરપાલિકા જાહેર કરી હતી. ધારી ગ્રામ પંચાયત, પ્રેમપરા ગ્રામ પંચાયત, હરીપરા ગ્રામ પંચાયત અને વેકરીયા ગ્રામ પંચાયત નાના શહેરી વિસ્તાર તરીકે જાહેર કરી ધારી નગરપાલિકા જાહેર કરવામાં આવી હતી.તારીખ 1 જાન્યુઆરી 2025 ના જાહેરનામાથી સરકારે નવસારી, ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકા તરીકે જાહેર કરતા હવે રાજ્યમાં 149 નગરપાલિકાઓ કાર્યરત રહે છે.


હવે સૌરાષ્ટ્ર કચ્છની કઈ નગરપાલિકાઓ અ વર્ગમાં ?

અમરેલી જિલ્લામાં અમરેલી સાવરકુંડલા કચ્છ જિલ્લામાં ભુજ અંજાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ખંભાળિયા જુનાગઢ જિલ્લામાં કેશોદ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ બોટાદ જિલ્લામાં બોટાદ ભાવનગર જિલ્લામાં મહુવા પાલીતાણા, રાજકોટ જિલ્લામાં જેતપુર ગોંડલ ધોરાજી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાનો સમાવેશ થાય છે.જામનગર પોરબંદર મોરબી જિલ્લામાં અ વર્ગની એક પણ નગરપાલિકાઓ હવે રહેતી નથી. સમગ્ર રાજ્યની સ્થિતિ જોઈએ તો 149 માંથી 34 અ વર્ગની, 37 બ વર્ગની 61 ક વર્ગની અને સત્તર ડ વર્ગની નગરપાલિકાઓ અસ્તિત્વમાં રહે છે. રાજ્ય સરકાર તેમની જુદી જુદી યોજનાઓ અને કામ માટે જે તે નગરપાલિકાના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી કરતી હોય છે. તેથી આ બાબત નગરપાલિકાઓ માટે ઘણી મહત્વની બની રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application