વાવાઝોડા વચ્ચે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ૧૧ પ્રસૂતિ

  • June 17, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય કોઈ ગંભીર કેસ કે જાનહાનિ નહીં: વાવાઝોડા દરમિયાન સ્પેશિયાલિસ્ટ ડોકટરો, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ ખડેપગે રહ્યો

બિપરજોય વાવાઝોડા વચ્ચે પણ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થાના કારણે દેવભૂમિ દ્વારકામાં કોઈ જાનહાનિ સામે આવી નથી. એટલું જ નહિ, ગુરુવારે વાવાઝોડા દરમિયાન કોઈ સામાન્ય ઇજાનો કેસ પણ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો નથી. જ્યારે ગુરુવારે દિવસ દરમિયાન હોસ્પિટલમાં કુલ ૧૧ પ્રસૂતિઓ થઈ છે, તેમ અહીંની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. વિપુલ ચંદારાણાએ જણાવ્યું હતું.
વાવાઝોડા સમયે સર્જાતી મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા કરાયેલી વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે ૭ સ્પેશિયાલિસ્ટ ડોકટર, ૬ મેડિકલ ઓફિસર, ૧૧ સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. સામાન્ય ઈજા, ગુરુવારના ગંભીર ઈજા કે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. અગાઉના કેસમાંથી બે કેસમાં ફ્રેકચર હોવાથી આગળ રીફર કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુરુવારે હોસ્પિટલમાં ૧૧ સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરવામાં આવી છે. જેમાં ૮ સામાન્ય પ્રસૂતિ છે. જ્યારે ૩ મહિલાનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું. જ્યારે બુધવારે ૩ મહિલાની પ્રસૂતિ તથા મંગળવારે પણ ૬ મહિલાની સામાન્ય પ્રસૂતિ કરવામાં આવી છે. જ્યારે શુક્રવારે સવારે એક મહિલાની પ્રસૂતિ કરવામાં આવી છે. આ માતાઓ અને નવજાત શિશુઓની સ્થિતિ સામાન્ય છે.
વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો બંધ હોવાથી, હોસ્પિટલમાં અગાઉથી જ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ, વાવાઝોડા વચ્ચે પણ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને કોઈ જ અસર પહોંચી નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application