રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જસદણના શિવરાજપુર ગામના પાટિયા પાસે હોટલ નજીક ટ્રકમાંથી ૧૦૮ કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રૂ.૫૪.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો સપ્યાલ કરનાર ઓરિસ્સાના શખસ અને માલ મગાવનાર કાલાવડની બેલડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ, હેરાફેરી કરતા શખસો પર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચનાના પગલે એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. દરમિયાન જસદણથી ઘેલા સોમનાથ ગામ તરફ જતા શીવરાજપુર ગામના પાટીયાથી આગળ આવેલ જય વિહળનાથ હોટલ પાસે એક માલવાહક ટ્રક નં. જીજે-૦૬-એટી-૯૪૩૮ માં ત્રણ શખસો માદક પદાર્થ ગાંજાનો જથ્થો માલવાહક ટ્રકમાં સતાડી ઉભા રહેલા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.
એસઓજીની ટીમે હોટલ પાસે ઉભેલ બાતમી વાળા ટ્રકમાં હાજર ત્રણ શખસોને અટક કરી નામ પૂછતા પોતાનું નામ રાજુ ઇશ્વર ચૌહાણ (રહે. રાજપરા ગામ, બોટાદ), કાદરશા ઉર્ફે કાદરબાપુ કાસમશા શેખ (રહે. કાલાવાડ કાશ્મીર પરા, એચ.કે. જોખીયા પાન સેન્ટરની બાજુમાં) અને નરેશ ઉર્ફે હરી ઇશ્વર લીંબડીયા (રહે. રાજપરા ગામ, બોટાદ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ટ્રકની કેબિનમાં ડ્રાઈવર સીટ પાછળ રહેલ પ્લાસ્ટિકના બાચકા ચેક કરતાં તેમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે ગાંજાનો જથ્થાનો ૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ રૂ.૫૪,૧૬,૫૫૦, મોબાઇલ નંગ-૦૩, માલવાહક ટ્રક મળી કુલ કિ.રૂ.૮૪,૩૧,૫૫૦ નો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેય શખસો ટ્રક લઈ ઓરિસ્સા ફેરો મારવા ગયાં ત્યાંથી ઓરિસ્સાના અલેખા બીસનું બહેરા નામના શખસે ગાંજો ભરી આપ્યો હતો અને તે ગાંજાનો જથ્થો કાલાવડના મહમદરફીક અસરફભાઇ લોદી અને અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમાને સપ્લાય કરવાનો હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી. જેથી પોલીસે આ ત્રણેય શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરીછે.
આ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા, એએસઆઇ પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, પીયુષભાઇ અઘેરા, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, ચંદુભાઇ પલાળીયા તથા કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, નવદિપભાઇ બાબરીયા, પુથ્વીરાજસિંહ ડોડીયા, નરશીભાઇ બાવળીયા સાથે રહ્યા હતાં.