ઉનાળામાં પીવાના પાણીનો પ્રશ્ન ન સર્જાય અને રાજકોટ શહેરમાં દરરોજ ૨૦ મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાય રહે તે માટે સરકારે મોઢે માંગ્યું નર્મદાનીર આપીને રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧ અને ન્યારી-૧ ડેમ છલોછલ ભરી દીધા છે તેમ છતાં રાજકોટમાં પાણીનો પોકાર ઉઠ્યો છે અને તા.૧ માર્ચથી આજે તા.૧૩ માર્ચ સુધીમાં પાણીની ૧૩૯૧ ફરિયાદો નોંધાઇ છે.
મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉનાળાના આરંભે તા.૧ માર્ચથી આજે તા.૧૩ માર્ચ સુધીના ૧૩ દિવસમાં દરરોજ પાણીને લગતી સરેરાશ ૧૦૭ ફરિયાદ નોંધાઇ છે. પાણી ન મળવું, ઓછા ફોર્સથી પાણી મળવું, પૂરતું પાણી ન મળવું, પ્રદૂષિત પાણી મળવું વિગેરે પ્રકારની કુલ ૧૩૯૧ ફરિયાદો છેલ્લા ૧૩ દિવસમાં સમગ્ર શહેરમાંથી નોંધાઇ છે.
આજી અને ન્યારી ડેમ છલોછલ ભરેલા છે, પાણીની કોઇ જ કમી નથી તેમ છતાં વિતરણ વ્યવસ્થાના યોગ્ય મોનિટરીંગના અભાવે આવી સ્થિતિ સર્જાઇ છે. હાલમાં પણ આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું ચાલુ જ છે છતાં શહેરીજનોને પૂરતું પાણી મળતું નથી તે હકીકત છે. ઉનાળાના આરંભે તા.૧થી ૧૩ માર્ચ સુધીમાં બિલકુલ પાણી નહીં મળ્યાની અને તદન ઓછા ફોર્સથી પાણી મળતું હોવાની ૮૩૯ ફરિયાદો અને પ્રદૂષિત પાણી મળી રહ્યાની ૫૫૨ ફરિયાદો નોંધાઇ છે.
ભૂતિયા નળ, ડાયરેક્ટ પમ્પિંગનું ચેકિંગ બંધ
રાજકોટમાં દર ઉનાળે બેફામ પાણીચોરી થાય છે જે પકડવા માટે માર્ચ મહિનાના પ્રારંભેથી જ વોર્ડ વાઇઝ ચેકિંગ શરૂ કરાતું હોય છે પરંતુ આ વર્ષે આજ દિવસ સુધી ભૂતિયા નળ જોડાણ કે ઇલેક્ટ્રિક મોટર વડે ડાયરેક્ટ પમ્પિંગ કરીને વધુ પાણી ખેંચી લઇને થતી પાણીચોરીનું ચેકિંગ શરૂ કરાયું ન હોય અનેક વિસ્તારોમાંથી ઓછા ફોર્સથી પાણી વિતરણની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
ફરિયાદો ફક્ત નોંધાઇ છે, ઉકેલાતી નથી
શહેરીજનોમાંથી એવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કે કોલ સેન્ટરના નંબર ૧૫૫૩૦૪ અને આરએમસી ઓન વ્હોટ્સ એપ સેવાના મોબાઇલ નંબર ૯૫૧૨૩ ૦૧૯૭૩ ઉપર તેમજ મહાપાલિકાની વેબસાઇટ ઉપર ફરિયાદો નોંધાય તો છે પરંતુ ઉકેલાતી નથી, અને સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે ફરિયાદ ઉકેલાયા વિના જ ફરિયાદ ઉકેલાઇ ગઇ છે તેવા રિપ્લાય મેસેજ મળે છે.