રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શન હેઠળ આજે મહાનગરપાલિકાની ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.) ની વિવિધ વોર્ડના રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરો પર ફાળવણી કરવામાં આવી હતી.
ચૂંટણી શાખાના સત્તાવાર આંકડાઓ મુજબ, રાજકોટના કુલ ૧૮ વોર્ડમાં ૧૦૧૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવા માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. નિયમ મુજબ ૧૨૦ ટકા લેખે ૧૨૧૭ બેલેટ યુનિટ (BU) અને ૧૨૧૭ કંટ્રોલ યુનિટ (CU) ફાળવવાનું નક્કી થયું હતું, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે કુલ ૧૩૪૦ બેલેટ યુનિટ અને ૧૨૮૦ કંટ્રોલ યુનિટ રવાના કરવામાં આવ્યા છે.
મતદાન દરમિયાન જો કોઈ મશીનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાય, તો પ્રક્રિયા અટકે નહીં તે હેતુથી આ વધારાના મશીનોનું બેકઅપ રાખવામાં આવ્યું છે. આ ફાળવણી સાથે જ ચૂંટણી તંત્ર હવે મતદાનના દિવસ માટે સજ્જ બન્યું છે. તમામ મશીનોને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંબંધિત વોર્ડના કેન્દ્રો પર પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે.