BREAKING NEWS

40 સેકન્ડમાં વેનેઝુએલામાં મોતનું તાંડવઃ બે શક્તિશાળી ભૂકંપથી 10000 લોકોની જિંદગી હોમાયાની આશંકા

  • June 25, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બે મોટા ભૂકંપ આવ્યા, જેના કારણે ભારે વિનાશ થયો. બંને ભૂકંપ ફક્ત 39 સેકન્ડના અંતરે આવ્યા. પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી અને થોડીક સેકન્ડ પછી 7.5 ની તીવ્રતાનો બીજો, વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર રાજધાની કારાકાસથી લગભગ 20 કિલોમીટર દૂર કારાબોબો રાજ્યમાં હતું.


વેનેઝુએલામાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપ બાદ નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સરકારે મૃત્યુની પુષ્ટિ કરી છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે શક્તિશાળી ભૂકંપ બાદ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધન કરતાં, તેમણે જાનહાનિનો સ્વીકાર કર્યો અને પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જોકે, તેમણે મૃત્યુઆંક જણાવ્યો નથી.


યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આ 126 વર્ષમાં વેનેઝુએલામાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. અગાઉનો ભૂકંપ 1900 માં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ હતો. યુએસજીએસે ચેતવણી આપી છે કે આ ભૂકંપથી નોંધપાત્ર જાનહાનિ થઈ શકે છે. એજન્સીનો અંદાજ છે કે 10,000 થી વધુ લોકોના મૃત્યુની શક્યતા 44 ટકા છે, જ્યારે 1 લાખથી વધુ લોકોના મૃત્યુની સંભાવના 30 ટકા સુધી છે.


રાજધાની કારાકાસમાં આવેલા જોરદાર ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ. એરપોર્ટ પણ તબાહ થઇ ગયું છે. પેટ્રોલ સપ્લાય પ્રભાવિત થઈ અને ઘણા લોકો કાટમાળમાં ફસાયા. વિવિધ સ્થળોએથી મદદ માંગતા લોકોના અહેવાલો આવ્યા હતા. ગૃહમંત્રી ડિઓસડાડો કાબેલોએ રાજ્ય ટીવી પર અહેવાલ આપ્યો હતો કે ઘણા ઘરો અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને આપત્તિ રાહત ટીમોને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.


ઘણા પરિવારો તેમના ગુમ થયેલા સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. કારાકાસના પૂર્વમાં ચાકાઓમાં બે ઇમારતો ધરાશાયી થઈ હતી. સ્થાનિક મેયર ગુસ્તાવો ડુકે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે અને કેટલાક માર્યા ગયા છે, જોકે ચોક્કસ મૃત્યુઆંક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. આવતા સોમવાર સુધી ઘણા શહેરોમાં શાળાઓ અને જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application