BREAKING NEWS

વિદેશમાં નોકરી કરવાની ઘેલછા ભારે પડી... ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું ષડયંત્ર, ગુજરાતના 100 યુવકો મ્યાનમારમાં ફસાયા, સરકાર પાસે માંગી મદદ

  • December 25, 2025 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશમાં નોકરી કરવાની ઘેલછા તમને કેટલી ગંભીર પરિસ્થિતિમાં મૂકી શકે તેને ઉજાગર કરતો કિસ્સો મ્યાનમારમાંથી બહાર આવ્યો છે. ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું ષડયંત્ર ચાલી રહ્યાનું સામે આવ્યું છે અને આ ચુંગાલમાં ગુજરાતના 100 યુવકો ફસાયા છે. હવે આ યુવકો વતન ગુજરાત પાછા ફરવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. વીડિયોના માધ્યમથી આ યુવાનો સરકારની મદદ માંગી છે.


અમને અહીં 14થી 18 કલાક સુધી કામ કરાવે છે

વાયરલ વીડિયોમાં અનેક યુવકો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક યુવકે આપવીતી જણાવતાં કહ્યું હતું કે 'અમને દગો કરીને અહીં લાવવામાં આવ્યા છે. અમને કામ આપવાના બહાને કહ્યું હતું કે તમને ડેટા એન્ટ્રીનું કામ મળશે. કોઈને જાહેરાત કરવાની લાલચ આપી બોલાવવામાં આવ્યા, અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમને અલગ જ કામ કરાવે છે એ પણ બળજબરીપૂર્વક, અમને ક્યાંય જવા પણ નથી દેતા અને 14થી 18 કલાક સુધી કામ કરાવે છે.' વીડિયોમાં ઘણા બધા યુવકો અને યુવતીઓ છે જે મોઢે માસ્ક પહેરી ઊભા છે. 


વધુમાં યુવકે જગ્યાનું નામ આપતાં જણાવ્યું કે 'અમને કંપનીમાંથી નીકળવાનો મોકો મળ્યો એટલે મ્યાનમારમાં માયાવાડી કરીને વિસ્તાર છે જ્યાં એક NGO છે ત્યાં 4 ડિસેમ્બરથી અમે રોકાયેલા છીએ, 7 તારીખે અમારું ઈમિગ્રેશન થઈ ચૂક્યું છે. પરંતુ અમારી પાસે ફોન નથી એટલે અમે કોઈનો કોન્ટેક્ટ નથી કરી શકતા તો અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક રાજ્યમાંથી અહીંયા લોકો ફસાયેલા છે. જો તમને આ વીડિયો મળે તો અમને અહીંથી કાઢવાનો પ્રયાસ કરો'


અમદાવાદ ક્રાઇમનો વીડિયો જોયો અને ફસાયા હોવાની ખબર પડી!

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારના રેકેટ બાબતે લોકોને જાગૃત કરતો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેને જોયા બાદ પોતે પણ ફસાયા અને છેતરાયા હોવાનું પ્રતીત થતાં કંપનીમાંથી ગુજરાતના 10 સહિત દેશના અનેક રાજ્યોના યુવકો કંપનીમાંથી છટકબારી શોધી ભાગી છૂટયા હતા. જેમાંથી સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ નામનો યુવક પણ વીસથી વધુ દિવસથી ત્યાં ફસાયો છે. પરિવારને ફસાયેલા યુવકો અંગે જાણ થતાં તે ચિંતાતુર બન્યો છે અને ગુજરાત અને ભારત સરકારને યોગ્ય મદદ માટે રજૂઆત કરી રહ્યો છે. 


ગુંજન શાહની માતાએ ગળે ડૂમો ભરાયેલી શબ્દોમાં કહ્યું કે 'મારો દીકરો થાઇલૅન્ડના તાકમાં ચાર મહિનાથી ગયો હતો છેલ્લા 20 દિવસથી તેમણે અજુગતું લાગતાં ત્યાંથી નીકળી મ્યાનમાર જઈ ત્યાં ફાઇલ રિપોર્ટ આપી દીધા છે. જે અમે પણ સરકારને સોંપી દીધા છે પણ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. અમે મીડિયા દ્વારા ધ્યાન દોરવા માંગીએ છીએ કે દરેક ભારતીય છોકરા જે ફસાયા છે તેમણે પરત ભારત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે. ફસાયેલા ગુંજન શાહના પિતાએ કહ્યું કે ત્યાંની સરકારે ઈમિગ્રેશન મંજૂર કરી દીધું છે ભારત સરકાર મદદ કરે તેવી આશા છે. ​​​​​​​


ફસાયેલા યુવકોનું લિસ્ટ

1. મલેક ફૈઝલહુસેન મોહમ્મદહનીફ- ખેડા

2. શેખ મોહમ્મદશાન સલીમમિયા- ખેડા

3. મિંજારાલા હીત રજનીકાંત- સુરત
 
4. ગુંજન જયેશકુમાર શાહ- વડોદરા

5.પરમાર દેવાંગકુમાર- વડોદરા

6. બિમલ જીતિયા- રાજકોટ

7. જતીન ગેડિયા- સુરત

8. ચવ્હાણ શુભમ- વડોદરા

9. પટેલ પ્રિન્સ રમેશભાઈ- નવસારી

10. પટેલ જયકુમાર સતીષભાઈ- આણંદ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application