BREAKING NEWS

પિતાને યાદ કરી પુત્રી રાધિકા ભાવુક થયા, સ્વ. વિજયભાઈ રૂપાણી વિશે કહી આ મોટી વાત

  • June 14, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાપ્રિય નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે રાજકોટમાં ભાવભીની અંજલિ આપતા અનેકવિધ સામાજિક અને લોકકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈની જનસેવાની પરંપરાને આગળ ધપાવતા રાજકોટની 'ન્યુ એરા સ્કૂલ' ખાતે એક 'સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ' યોજાયો છે. આ મેડિકલ કેમ્પમાં આંખ, કાન, નાક, ગળા, હાડકાના રોગો તેમજ જનરલ ફિઝિશિયન અને ડેન્ટલ કેર સહિતના નામાંકિત નિષ્ણાત તબીબોએ પોતાની નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે. સવારથી જ આ કેમ્પમાં ખાસ કરીને ગરીબ, વંચિત અને પછાત વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને નિઃશુલ્ક તપાસ તેમજ દવાઓનો લાભ મેળવી રહ્યા છે.


આ પ્રસંગે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પુત્રી રાધિકાબેન મિશ્રાએ ખાસ હાજરી આપી હતી અને મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. પિતાની સ્મૃતિઓ વાગોળતા રાધિકાબેન ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે, આજે પપ્પાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે તેમના આદર્શોને જીવંત રાખવા માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પપ્પા હંમેશાં ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાને જ સર્વોપરી માનતા હતા. આજે આ કેમ્પના માધ્યમથી પછાત અને સામાન્ય વર્ગના અસંખ્ય લોકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહી છે, જે પપ્પાને સાચી શ્રદ્ધાંજલિ છે.


રાધિકાબેન મિશ્રાએ રાજકોટ અને ગુજરાતની જનતાનો આભાર માનતા વધુમાં ઉમેર્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટના લોકોએ પપ્પા પ્રત્યે જે અદભુત પ્રેમ, લાગણી અને આદર દર્શાવ્યા છે, તેનાથી અમારો સમગ્ર રૂપાણી પરિવાર ગદગદિત છે. લોકોએ મારા પપ્પાને પોતાના હૃદયમાં વસાવ્યા છે અને તેમને અદભુત પ્રેમ આપ્યો છે. જનતાનો આ અપાર સ્નેહ જોઈને અમને ખૂબ જ ગર્વની લાગણી થાય છે. આ સમગ્ર આયોજનથી રાજકોટવાસીઓમાં ફરી એકવાર સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની વિજયભાઈની છાપ તાજી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News