BREAKING NEWS

હોર્મુઝની ખાડી બંધ થતાં કયા દેશોની કમાણીના રેકોર્ડ તૂટ્યા? આપદાને અવસરમાં બદલી કમાયા અબજો ડોલર

  • June 14, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલેલા ભયાનક સૈન્ય સંઘર્ષ દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬માં ઈરાન દ્વારા વૈશ્વિક ઉર્જા માર્ગ ગણાતી ‘હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz) ને સજ્જડ બંધ કરી દેવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં સમગ્ર વિશ્વના કુલ દરિયાઈ તેલ અને ગેસ વ્યાપારનો આશરે ૨૦ ટકા હિસ્સો (દરોજ્જ ૨ કરોડ બેરલ તેલ) આ જ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે.


આ નાકાબંધીના કારણે જ્યાં એકતરફ ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે મોટું આર્થિક અને ઉર્જા સંકટ ઊભું થયું હતું, ત્યાં બીજી તરફ દુનિયાના કેટલાક ચતુર દેશો માટે આ ‘આપદા અવસરમાં’ બદલાઈ ગઈ હતી. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવો આસમાને પહોંચતાં કયા દેશોએ આ કટોકટીનો ભરપૂર આર્થિક ફાયદો ઉઠાવ્યો, તેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


આંતરરાષ્ટ્રીય બજારના વિશ્લેષકોના મતે, હોર્મુઝ સંકટના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની ભારે અછત સર્જાઈ હતી. આ તકનો લાભ લઈને વૈશ્વિક ઉર્જા ઉત્પાદક દેશોએ પોતાનો નિકાસ (એક્સપોર્ટ) વધારીને તિજોરીઓ ભરી લીધી હતી.


1. રશિયા: પ્રતિબંધો છતાં બન્યું સૌથી મોટું ફાયદાકારક

આ કટોકટીનો સૌથી મોટો આર્થિક લાભ રશિયાને મળ્યો હતો. મે મહિનામાં રશિયાની ઓઇલ અને ગેસ ટેક્સની આવકમાં ગત વર્ષની સરખામણીએ ૩૨.૪ ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો, જે વધીને ૬૭૮.૯ અબજ રુબલ (આશરે ૯.૩ અબજ અમેરિકી ડોલર) થઈ ગઈ હતી.

હોર્મુઝ બંધ થવાના કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા એટલા લાચાર થઈ ગયા કે તેમણે રશિયન ઓઇલ પર અગાઉથી લગાવેલા કડક દરિયાઈ પ્રતિબંધોમાં ઢીલ આપવી પડી હતી. અમેરિકાએ ભારત સહિતના દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપવી પડી, જેનાથી રશિયાએ બજાર ભાવ કરતાં મોટો નફો રળ્યો હતો.


2. અમેરિકા: એનર્જી કંપનીઓના શેરમાં ઉછાળો

રશિયાની સરકારી ઓઇલ કંપની ‘રોસનેફ્ટ’ ના અહેવાલ મુજબ, હોર્મુઝના કારણે ઉભી થયેલી તેલની તંગીનો સીધો ફાયદો અમેરિકાની ખાનગી ઉર્જા કંપનીઓને મળ્યો હતો. અમેરિકાની એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) એ વર્ષ ૨૦૨૬ માટે બ્રેન્ટ ક્રૂડનો અંદાજિત ભાવ ૫૮ ડોલરથી વધારીને ૭૯ ડોલર પ્રતિ બેરલ કરી દીધો હતો. આ સાથે જ અમેરિકાએ પોતાના કાચા તેલનું ઉત્પાદન વધારીને દરોજ્જ ૧.૩૬ કરોડ બેરલના ઐતિહાસિક સ્તરે પહોંચાડી દીધું હતું.


3. સાઉદી અરેબિયા: વૈકલ્પિક રૂટથી નફો મેળવ્યો

હોર્મુઝની ખાડી બંધ થવાથી ખાડીના અન્ય દેશો બરબાદ થઈ ગયા, પરંતુ સાઉદી અરેબિયાએ પોતાની બુદ્ધિ વાપરીને નુકસાનને નફામાં બદલી નાખ્યું. સાઉદી પાસે પોતાની ખાસ ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ ઉપલબ્ધ હતી. તેણે હોર્મુઝના રસ્તાને બદલે પોતાના કાચા તેલને પાઈપલાઈન મારફતે ‘લાલ સમુદ્ર’ (Red Sea) તરફ ડાયવર્ટ કરી દીધું અને ત્યાં આવેલા યાનબૂ પોર્ટ (Yanbu Port) થી નિકાસ ચાલુ રાખી. આ વ્યૂહરચનાના કારણે સાઉદી અરામકો કંપનીએ વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩૩.૬ અબજ ડોલરનો ચોખ્ખો નફો કર્યો હતો, જે ગયા વર્ષ કરતાં ૨૬ ટકા વધુ છે.


4. ઈરાક: વર્ષોથી બંધ પડેલી પાઈપલાઈન ફરી શરૂ કરી

આ સંકટના કારણે ઈરાકથી તુર્કી જતી આશરે ૬૦૦ માઈલ લાંબી અને વર્ષોથી બંધ પડેલી તેલ પાઈપલાઈનને તાત્કાલિક ધોરણે ફરીથી ખોલવામાં આવી હતી. ૧૬ લાખ બેરલ પ્રતિ દિવસની કુલ ક્ષમતા ધરાવતી આ પાઈપલાઈનને શરૂઆતમાં ૨.૫ લાખ બેરલની ક્ષમતા સાથે એક્ટિવ કરાઈ હતી. આ ઉપરાંત ઈરાક હવે હોર્મુઝ પરની નિર્ભરતા ઘટાડવા ઓમાન, જોર્ડન અને ઈજિપ્ત તરફ પણ નવી પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.


5. ઓમાન અને નોર્વે: ભૌગોલિક સ્થિતિનો મળ્યો લાભ

ઓમાન દેશ ભૌગોલિક રીતે હોર્મુઝની ખાડીની બહારની તરફ આવેલો હોવાથી તેનો દરિયાઈ નિકાસ બિલકુલ પ્રભાવિત થયો નહોતો. ઊલટાનું, વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધતાં ઓમાનની કમાણી રાતોરાત વધી ગઈ. બીજી તરફ, યુરોપનો સૌથી મોટો તેલ નિકાસકાર દેશ ‘નોર્વે’ પણ આ આંતરરાષ્ટ્રીય કટોકટીમાં સૌથી વધુ કમાણી કરનારા દેશોની યાદીમાં મોખરે રહ્યો હતો, કારણ કે યુરોપિયન દેશોએ ખાડી દેશોને બદલે નોર્વે પાસેથી મોંઘા ભાવે ગેસ અને તેલ ખરીદવું પડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News