રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામ નજીક માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. પડોશમાં જ રહેતા એક 60 વર્ષીય વૃદ્ધે 10 વર્ષની માસૂમ બાળકીને પૈસાની લાલચ આપી તેની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે આજીડેમ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૂ. 10ની નોટ બતાવી વાડામાં લઈ ગયો
ઘટનાની વિગતો મુજબ, ગત તા. 1 મે, 2026ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ ભોગ બનનાર બાળકી તેના કાકાના ઘરે રમવા ગઈ હતી. આ દરમિયાન પડોશમાં રહેતા 60 વર્ષીય નરાધમ દેવા લઘરા અજાગીયાએ બાળકીને રૂ. 10ની નોટ બતાવી પોતાની પાસે બોલાવી હતી. બાળકી પૈસા લેવા ગઈ ત્યારે આરોપી તેને બળજબરીપૂર્વક પોતાના વાડામાં આવેલી પતરાની ઓરડીમાં લઈ ગયો હતો.
ઓરડીમાં આચર્યું અધમ કૃત્ય
ઓરડીમાં લઈ ગયા બાદ નરાધમે બાળકી સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. આરોપીએ પોતાના કપડાં ઉતારી બાળકીના કપડાં ઉતારવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના શરીરના નાજુક ભાગો પર સ્પર્શ કરી બચકા ભરવા લાગ્યો હતો. બાળકી ગભરાઈને રાડો પાડવા લાગતા આરોપીએ તેનું મોઢું દબાવી દીધું હતું અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કહેતી નહીં. ત્યારબાદ બાળકીને રૂ. 10 આપી ત્યાંથી રવાના કરી દીધી હતી.
માતાએ નોંધાવી ફરિયાદ, આરોપી જેલહવાલે
બાળકીએ ઘરે પહોંચીને પોતાની માતાને આ સઘળી આપવીતી જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 37 વર્ષીય મહિલાએ તુરંત હિંમત દાખવી આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ ACP ભાવેશ જાધવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મામલે આરોપી દેવાભાઈ વિરુદ્ધ:
BNS ની કલમ 75 અને 2(76) મુજબ ગુનો નોંધાયો છે.
પોક્સો (POCSO) એક્ટ હેઠળ પણ કડક કલમો ઉમેરવામાં આવી છે.
આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલુ છે.
આરોપી પોતે પણ બે સંતાનોનો પિતા
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે 60 વર્ષનો આ નરાધમ પોતે પણ બે સંતાનોનો પિતા છે. તેનો મોટો પુત્ર 35 વર્ષનો છે, જ્યારે તે હાલ તેની પત્ની અને 5 વર્ષની નાની દીકરી સાથે રહે છે. પૌત્ર-પૌત્રી રમાડવાની ઉંમરે પડોશની જ દીકરી પર દાનત બગાડનાર આ નરાધમના કૃત્યથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.