BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં 1થી 12 ઇંચ વરસાદથી તબાહી, ખેડૂતોને કરોડોનું નુકસાન; મગફળી-કપાસનો સોંથ વાળી દીધો

  • October 28, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નૂતન વર્ષના પ્રારંભે માવઠું વરસતા એકથી ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો જેનાથી ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટુ લાગ્યા જેવી થઇ ગઇ છે. મગફળી અને કપાસના વેંચાણ માટે તૈયાર પાકનો ખેતર અને વાડીઓમાં જ સોંથ વળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.


સૌરાષ્ટ્રમાં માવઠાથી કરોડોનું નુકસાન થયું છે, છેલ્લા ૪૮ કલાકથી વરસાદ યથાવત રહ્યો હોય ગઇકાલે સૌરાષ્ટ્રના કુલ ૩૫માંથી ૩૦ યાર્ડમાં હરાજી થઇ શકી ન હતી, રાજકોટ સહિત ફક્ત પાંચ યાર્ડમાં માંડ હરાજી થઇ હતી. આજે પણ સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે અનેક યાર્ડમાં ખેડૂતો નહીં આવતા હરાજી બંધ રહ્યાનું જાણવા મળે છે.


ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસતા વર્ષ સારું નીવડશે તેવી ધરતીપુત્રોને આશા હતી પરંતુ એ આશા ઉપર માવઠાએ પાણી ફેરવી દીધું છે. દિવાળી પછી ઓઇલ મિલર્સ, જિનર્સ, અને એક્સપોર્ટર્સની ડિમાન્ડ નિકળશે તેથી વધુ ભાવ ઉપજશે તેવી ગણતરીએ જણસીઓ સંગ્રહી રાખનાર ખેડૂતોની હાલત માઠી થઇ છે, ખેતર-વાડીમાં ખુલામાં પડેલો માલ પલળી ગયો છે અને ગોડાઉનમાં સંગ્રહિત જથ્થામાં ભેજ બેસી જતા ગુણવત્તા નબળી પડી છે જેથી હવે તેના સારા ભાવ ઉપજવાની શક્યતા નહિવત છે.એકંદરે આ વર્ષે દિવાળીના તહેવારો પૂર્વે મગફળી અને કપાસનું વેંચાણ કરીને રોકડા કરનાર ખેડૂતો ફાયદામાં રહ્યા અને ભાવ વધે પછી વેંચશું તેવી ગણતરીએ સંગ્રહ કરનાર ખેડૂતોની હાલત માઠી થઇ ગઇ છે.


ડેમો ભરેલા હોય હવે રવિ પાક ઉપર મીટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસતા મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે. હાલ માવઠાને કારણે ખરીફ પાક તો લગભગ નિષ્ફળ ગયો છે. પરંતુ ડેમો ભરેલા હોય રવિ પાકની મોસમ ઉપર ખેડૂતોએ મીટ માંડી બેઠા છે. માવઠાથી થયેલી નુકસાનીનું વળતર આપવા સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી પ્રબળ માંગ સૌરાષ્ટ્રના ખેડૂતોમાંથી ઉઠવા પામી છે.


શાકભાજીના પાકમાં સડો બેસી ગયો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત છેલ્લા ત્રણ દિવસથી માવઠું વરસી રહ્યું હોય શાકભાજીના પાકમાં સડો બેસી ગયો છે. વરસાદ બાદ તડકો નિકળતો ન હોય ઠંડીની મોસમ વચ્ચે સતત ભેજને કારણે શાકભાજીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. શિયાળાની ઋતુના પ્રારંભે શાકભાજીની આવક વધતી હોય છે પરંતુ ચાલુ વર્ષે માવઠાને કારણે આવક ઘટી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application