જામનગર: વોર્ડ નં. ૧ ના નગરસેવકોએ પ્રજા માટે કર્યો રાત ઉજાગરો
શાસકપક્ષ નેતા અમર મોદી, નગરસેવક ઇસ્માઇલ માણેક રાત્રે અઢી કલાકે ઉંઘમાંથી ઉઠીને લોકો માટે પીજીવીસીએલ કચેરી પહોંચ્યા: બે કલાકની જહેમત બાદ અંધારા દૂર કરાવ્યા
સાચા નગરસેવક એને જ કહેવાય, જે કોઇપણ સમયે પોતાના વિસ્તારની પ્રજાની સેવા માટે ખડેપગે રહે, દિવસની વાત તો અલગ છે, અડધી રાત્રે જરૂર પડે ત્યારે જો નગરસેવકો પ્રજાની સાથે ઉભા રહે તો, ખરેખર તેની સરાહના કરવી ઘટે, આવી જ એક ઘટના વોર્ડ નં. ૧ માં બની છે, જયાં હાલના શાસકપક્ષના નેતા અમર મોદી અને ઇસ્માઇલ માણેકે રાત ઉજાગરો કરીને પોતાના વિસ્તારના લોકો માટે અંધારા દૂર કરાવ્યા હતા.
હાલમાં વ્યાપક ગરમીના કારણે વિજવિક્ષેપ સર્જાય છે, ત્યારે તા. ૪/૬/ર૦ર૬ ના રોજ મઘ્ય રાત્રિએ વોર્ડ નં. ૧ ની લાઇટો ગુલ થઇ ગઇ હતી, રાત્રે ર.૩૦ કલાકે આ વિસ્તારના નગરસેવકો અમર મોદી અને ઇસ્માઇલ માણેકને લોકોએ જાણ કરતા તેઓ ઉંઘમાંથી ઉઠીને વિસ્તારમાં પહોંચ્યા હતા, પીજીવીસીએલની કચેરીએ જઇને ત્યાંના સ્ટાફને સાથે લઇને જે સ્થળે પાવરમાં ફોલ્ટ સર્જાયો હતો, ત્યાં ઉપર ઉભા રહીને રીપેરીંગ કરાવ્યું હતું અને આકરી ગરમીમાં લાઇટ વગર પડખા ફરતા લોકોને સવારે ૪.૦પ વાગ્યે વિજ પૂરવઠો મળતો થઇ ગયો હતો.
અમર મોદી અને ઇસ્માઇલ માણેકની સાથે પૂર્વ નગરસેવક નુરમામદ પલેજા ઉપરાંત શકીલ સોઢા, શબ્બીરભાઇ તેમજ બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ હાજર રહ્યા હતા, ખાસ કરીને પરસેવે રેબઝેબ થઇ ગયેલા આ વિસ્તારના નાના બાળકો, વૃઘ્ધો, માતાઓ, બહેનોએ વિજ પૂરવઠો કાર્યરત કરાવવા બદલ નગરસેવકોની કામગીરીને બીરદાવીને બે મોઢે વખાણ કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, ઇતિહાસમાં પહેલીવાર આ વિસ્તારમાં ભાજપને જીત મળી છે અને જે રીતે આ વિસ્તારના નગરસેવકો એ વાસ્તવમાં લોકસેવકની ભૂમિકા નિભાવવાનું શરૂ કર્યું હોવાથી એવું લાગે છે કે, આ વિસ્તારમાં હવે આવનારા સમયમાં ભાજપના ગઢ સમાન બની જશે.