જામનગરમાં વોર્ડ નં. ૧ને ભાજપ આપી શકે મોટું ઇનામ..?

  • April 29, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વોર્ડ નં. ૧ને ભાજપ આપી શકે મોટું ઇનામ..?


આ વોર્ડની સંપુર્ણ કાયાપલટ કરીને કાયમ માટે આ વોર્ડને પણ પોતાનું બનાવી લેવાની ભાજપ પાસે મોટી તક : તોફાની સમુદ્રમાં કુદીને જીતની નાવડી લઇ આવનારા ભાજપના વિજેતા ઉમેદવારોને કદાચ અપાઇ શકે પદાધીકારીઓમાં સ્થાન



આ વખતે મહાનગરપાલીકાની ચુંટણીમાં એક નહીં અનેક ઇતિહાસ રચાયા છે, સત્તાધારી ભાજપ તો આ ચુંટણીને હંમેશા યાદ રાખશે પરંતુ વિપક્ષ એટલે કે કોંગ્રેસ માટે તો ચુંટણીના પરિણામ એક ભયાનક સપનાથી જરા પણ ઓછા નથી અને તેમા પણ દાયકાઓથી કોંગ્રેસના ગઢ રહેલા વોર્ડ નં. ૧માં આ વખતે ભાજપની પેનલે જે ચમત્કારી જીત મેળવી છે, ઇતિહાસ પલટી નાખ્યો છે તેના પરથી સ્પષ્ટ લાગે છે કે વોર્ડ નં. ૧ના વિજેતાઓને અને મતદારોને ભાજપ મોટું ઇનામ આપી શકે છે.


ઇતિહાસ ગવાહ છે કે કોંગ્રેસ આ વોર્ડમાં આંખ મિચીને ઉમેદવારોની પસંદગી કરતું હતું અને જે આવે તેને વોર્ડ નં. ૧ના મતદાતાઓ ભવ્ય વિજય અપાવતા હતા, આ વખતે આખો ઇતિહાસ જ બદલાઇ ગયો અને વોર્ડ નં. ૧ની ભાજપની પેનલ ઉધોગપતિ અમર મહેન્દ્રભાઇ મોદી, એડવોકેટ ઇસ્માઇલભાઇ માણેક, ઝરીનાબેન સુભણીયા, સારાબેન ઉમર ચમડીયાને જીતાડીને આ વોર્ડની પ્રજાએ પણ કોંગ્રેસને સંપુર્ણ રીતે જાકારો આપી દીધો છે અને તમામ વોર્ડ કરતા આ વોર્ડમાં કોંગ્રેસનો ઘોર પરાજય એ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીની ઘોર નિષ્ફળતા તો છે જ પરંતુ કોંગ્રેસના કહેવાતા ચાણકય જેવા નેતાઓ નાલેશી તરફ ધકેલાઇ ગયા છે.


દાયકાઓ બાદ વોર્ડ નં. ૧ની પ્રજાએ સત્તાધારી ભાજપ સાથે જવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે ત્યારે હવે એવી પણ પ્રબળ શકયતા છે કે ભાજપ આ વોર્ડના વિજેતાઓ અને આ વોર્ડની પ્રજાને મોટું ઇનામ આપી શકે છે, ગુજરાત ભાજપની હાઇ કમાન્ડ પણ આ વોર્ડની જીતને અલગ નજરથી જોશે એવું સ્પષ્ટ લાગે છે, કારણ કે દાયકાઓનું સ્વપ્ન પુરૂ થયું છે.


વોર્ડ નં. ૧ની પ્રજાએ આ વખતે સત્તાધારી ભાજપ પર વિશ્ર્વાસ દર્શાવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે પણ એક એવી તક આવી છે કે જેનાથી આ વોર્ડને હંમેશ માટે ભાજપ પોતાનું બનાવી શકે છે, જો પાર્ટી આ વોર્ડનો સર્વાંગી વિકાસ કરી નાખે અને પોતાનું ફોકસ આ વોર્ડના વિકાસ પર રાખીને વોર્ડની સુરત બદલી નાખે તો આ વોર્ડની પ્રજા હંમેશ માટે ભાજપ સાથે રહી શકે છે.


ઐતિહાસીક જીત હોવાના કારણે ભાજપના પાંચ પદાધિકારીઓની રેસમાં પણ આ વોર્ડના વિજેતાઓને ગણી શકાય એવી સ્થિતિ છે કારણ કે આ જીત કોઇ નાની સુની નથી, કોઇ સામાન્ય નથી, ગત વખતેની જ મહાનગરપાલીકાની ચુંટણીમાં ભાજપની સ્થાનીક નેતાગીરી એ વખતે પુરૂ જોર લગાડી દીધું હતું છતા જીત થઇ શકી ન હતી હવે આ વખતે આ શકય થયું છે ત્યારે સ્વાભાવિક રીતે વિજેતાઓ અને જનતાને ભાજપ તરફથી ઇનામ મળવાની પુરી સંભાવના છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application