જામનગર: વોર્ડ નં. ૧ર માં પ્રી-મોન્સૂન કામગીરી કરવા રજૂઆત

  • June 05, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વોર્ડ નં. ૧ર માં પ્રી-મોન્સૂન કામગીરી કરવા રજૂઆત

કોંગીના નગરસેવિકા સહારાબેન મકવાણાએ મ્યુ. કમિશનરને પત્ર પાઠવીને માંગણી કરી

જૂન મહિનાની શરૂઆત સાથે જ ચોમાસાની ઋતુ નજીક આવી પહોંચી છે, ત્યારે જામનગર શહેરમાં ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પ્રી-મોન્સૂન કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવા વોર્ડ નં. ૧૨ ના કોર્પોરેટર અને ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી સહારા જ. મકવાણા દ્વારા જામનગર મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, દર વર્ષે ભારે વરસાદ દરમિયાન શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે શહેરના તમામ ડ્રેનેજ નેટવર્ક, વરસાદી પાણીના નિકાલના માર્ગો, ગટરલાઈનો અને નાળા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં યોગ્ય સફાઈ અને નિયમિત મોનિટરિંગ કરવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને આ કામગીરીમાં પ્રાથમિકતા આપવી જોઈએ.

વધુમાં, કોર્પોરેટરે એક મહત્વની સમસ્યા તરફ ધ્યાન દોરતા જણાવ્યું છે કે, હાલમાં વોર્ડ નં. ૧૨ ને જોડતો કાલાવડ નાકા પાસેનો પુલ નિર્માણાધીન અવસ્થામાં છે અને ત્યાં ડાયવર્ઝન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં આ ડાયવર્ઝનને અસર પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. આવી પરિસ્થિતિમાં ’મહારાજા સોસાયટીથી અન્નપૂર્ણા ચોકડી’ તરફ નદીના પટ પાસે આવેલો કોઝવે વિસ્તાર નાગરિકો માટે એકમાત્ર અને મહત્વનો વૈકલ્પિક માર્ગ બની શકે તેમ છે.

પરંતુ, હાલના તબક્કે આ કોઝવેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકી, કચરો, માટી અને ઝાંખરા જમા થયેલા જોવા મળે છે. જો સમયસર આ વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં નહીં આવે, તો ભારે વરસાદ દરમિયાન પાણીનો કુદરતી પ્રવાહ અટકશે, જેના કારણે કોઝવેને મોટું નુકસાન પહોંચવાની અને આ વૈકલ્પિક માર્ગ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કોઝવે માર્ગનો ઉપયોગ આસપાસના વિસ્તારોના હજારો નાગરિકો દૈનિક ધોરણે કરે છે.

આથી, લોકહિતને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીનું અસરકારક મોનિટરિંગ થાય તેમજ વોર્ડ નં. ૧૨ ના ઉપરોક્ત કોઝવે વિસ્તારની સફાઈ અને જરૂરી કામગીરીને તાત્કાલિક ધોરણે પ્રાથમિકતા આપી વહેલી તકે પૂર્ણ કરવા સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી માંગણી વોર્ડ નં. ૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણા દ્વારા તંત્રને કરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News