જામનગર:કાલાવડના મોટાવડાળામાં મદિરાની મહેફીલના રંગમાં પોલીસનો ભંગ
વાડીના મકાનની બહાર દરોડો : રાજકોટ અને કાલાવડના ૬ શખ્સો ઝડપાયા
કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં વાડીના મકાનની બહાર કેટલાક શખ્સો મદિરાની મહેફીલ માણી રહયા છે એવી ચોકકસ બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને રાજકોટ અને કાલાવડના મીઠી વીરડી ગામના મળી છ શખ્સોને ૪૦૦ એમએલ દારૂ સાથે દબોચી લીધા હતા, દરોડાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
મોટાવડાળા ગામે વજુ બાસીડાની ભોગવટાની વાડીએ રહેણાંક મકાનની બહાર કેટલાક શખ્સો એકત્ર થઇને દારૂની મહેફીલ માણી રહયા છે, આવી બાતમી કાલાવડ ગ્રામ્ય પોલીસને મળી હતી જેથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પાસ પરમીટ વગર દાની મહેફીલ માણી રહેલાઓના રંગમાં પોલીસે દરોડાપી ભંગ પાડયો હતો.
દરોડામાં કાલાવડના મીઠીવીરડી ગામના અને ગાડી લે-વેચનો ધંધો કરતા સુરેશ ગોવિંદ કપુરીયા, રાજકોટ મવડી સોરઠીયાપાર્કના ગાડી લે-વેચના ધંધાર્થી ચિરાગ સુરેશ કપુરીયા, રાજકોટ લાલપાર્ક શિવભદ્રા શેરી નં. ૨ના દિનેશ કેશુ કપુરીયા, રાજકોટ ખીજડાવાળો રોડ, માયાણીનગર શેરી નં. ૨માં રહેતા ડ્રાઇવીંગ કરતા રવિરાજસિંહ જીલુભા સોલંકી, રાજકોટ મવડી પટેલ પાર્ક, ગીરનાર સોસાયટીમાં રહેતા વેપાર કરતા દિવ્યરાજસિંહ ચંદ્રસિંહ રેવર અને મુળ ગોંડલ સુલતાનપુર ગામના હાલ મવડીમાં રહેતા ગાડી લે-વેચના ધંધાર્થી મનોજ વીરજી ગોંડલીયા નામના શખ્સોને પકડી લીધા હતા. તેમની પાસેથી આશરે ૪૦૦ એમએલ અંગ્રેજી દારૂ મળી આવતા તમામની સામે ગ્રામ્ય પોલીસમાં પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.