જામનગરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા પે-પાર્કિંગ યોજના બનાવાશે: મ્યુ.કમિશનર
રાહદારીઓ માટે શહેરની મુખ્ય બજારોની ફુટપાથો ખુલ્લી કરાશે: બર્ધન ચોકમાં નો હોકીંગ ઝોનનો અમલ થશે: રણમલ તળાવામાંથી કચરો બહાર કઢાશે અને પ્રીમોન્સુન કામગીરીમાં કોર્પોરેટરોને સાથે રખાશે: ગેરકાયદેસર બાંધકામો તોડી પડાશે: શહેરને સ્વચ્છ બનાવવા વધુ વૃક્ષો વાવવામાં આવશે: રીવર ફ્રન્ટ યોજના ઝડપી બનાવાશે
જામનગર શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા વધતી જાય છે તેને નિવારવા કોર્પોરેશન દ્વારા એકશન પ્લાન ઘડવામાં આવશે, શહેરમાં રાહદારીઓ માટે મુખ્ય બજારોની ફૂટપાથો ખાલી કરાવાશે, બર્ધનચોકમાં નો હોકીંગ ઝોનનો અમલ કરાવાશે, અલગ અલગ જગ્યાએ મોટા વાહનો પાર્ક કરવા માટે પે-પાર્કીંગ યોજના અમલમાં મુકવામાં આવશે અને જામનગરને સ્વચ્છ બનાવવા તેમજ હરિયાળુ બનાવવા આગામી દિવસોમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે તેમ મ્યુ.કમિશનર દીપેશ કેડીયાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
મ્યુ. કમિશનર દીપેશ કેડીયાએ જણાવ્યુ હતું કે કરોડો રૂપિયાની રીવર ફ્રન્ટ યોજના જામનગર માટે ખુબ જ આશીર્વાદરૂપ છે, ગ્રાન્ટની રકમ આવ્યે તરત જ કામ ઝડપી બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જામનગર શહેરની ટ્રાફીક સમસ્યા બહુ છે, શહેરમાં બર્ધનચોકમાં પણ અવાર નવાર ટ્રાફીક સમસ્યા થાય છે, અમે લોકો અવાર નવાર દબાણ હટાવીએ છીએ, બર્ધનચોકમાં નોહોકીંગ ઝોનનો અમલ પણ કરાવાવમાં આવશે એટલુ જ નહિ છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદ મળી છે કે શહેરની મુખ્ય બજારોમાં ફૂટપાથ આવેલી છે તેના ઉપર દબાણો વધી ગયા છે અને રાહદારીઓ, વૃદ્ધો, બાળકો ચાલી પણ શકયતા નથી આ માટે અમે આકરા પગલા લેવાના છીએ. અને શહેરની બજારમાં ટ્રાફીક ઘટે તે માટે પ્રયાસો કરીશુ અને ફૂટપાથો પણ ખુલ્લી મુકીશું.
શહેરમાં નાની મોટી બસો અને કેટલાક વાહનો ગમે ત્યાં પાર્ક થાય છે તે અંગે કેવા પગલા લેશો તેવા પ્રશ્ર્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં અમુક સ્થળોએ કે જે કોર્પોરેશનની માલિકીના પ્લોટ છે ત્યાં પે-પાર્કીગ કરવામાં આવશે. ફલાય ઓવર બ્રીજની નીચેની જગ્યામાં પાર્કીંગ ભાડે આપવામાં આવશે અવાર નવાર ટ્રાફીક સીગ્નલો કામ કરતા નથી તે પણ ચાલુ કરવામાં આવશે.
પ્રીમોન્સુન કામગીરી અંગે મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે ચોમાસાની પહેલા પ્રીમોન્સુન કામગીરી ઝડપથી પુરી થાય તે માટે સુચના આપી દેવામાં આવી છે જે તે વિસ્તારમાં કામગીરી થતી હોય ત્યાંના નગરસેવકોને સાથે રાખીને તેમની સુચનાનો અમલ કરવામાં આવશે. પ્રીમોન્સુન કામગીરીમાં કોઇપણ જાતની કચાશ ન રહે અને તમામ કેનાલો સ્વચ્છ થાય તે રીતની કામગીરી કરવા માટે જે તે કોન્ટ્રાકટરોને સુચના આપી દેવામાં આવી છે આ અંગે જામનગરના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે એટલે ચોમાસુ નજીક હોય જેમ બને તેમ વધુ ઝડપી અને સારી પ્રીમોન્સુનની કામગીરી થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.
મ્યુ. કમિશનરે કહ્યું હતું કે અમારુ મિશન જામનગરને સ્વચ્છ બનાવવાનું છે. અને જામનગરને હરિયાળુ બનાવવા માટે કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલા વૃક્ષારોપણ કરવામાં આવશે. જામનગર શહેર અનોખી ઓળખ ધરાવે છે, અનેક નવા પ્રોજેકટો ચાલી રહ્યા છે જયાં ધીમી કામગીરી જણાશે ત્યાં રીવ્યુ મીટીંગ કરીને કોન્ટ્રાકટરોને કામ ઝડપી બનાવવા સુચના આપવામાં આવશે.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે એકશન પ્લાન ઘડવામાં આવશે, કોર્પોરેશનની કે સરકારી જમીનમાં જે કોઇ દબાણ કર્યુ હોય તેના તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે અને તેમાં કોઇની પણ શેહ શરમ રાખવામાં આવશે નહીં કોર્પોરેશનમાં જન્મ મરણ શાખામાં લોકો હેરાન પરેશાન થાય છે, અવાર નવાર સર્વર બંધ થાય છે લોકો દાખલો મેળવવા આખો દિવસ બેસી રહેવુ પડે છે તે માટે શું કરવા માગો છો તેવા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે તાત્કાલિક પગલા લઇને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવામાં આવશે.