જામનગરમાં દુધના વેપારીને ફડાકા ઝીંકી રોકડ ઝુંટવી લીધી 

  • June 05, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં દુધના વેપારીને ફડાકા ઝીંકી રોકડ ઝુંટવી લીધી 

મિત્રએ પોતાના નામે ગોલ્ડ લોન કરાવી ૧.૮૫ લાખ હડપ કર્યા : દાગીના પરત માંગતાં મારકુટ કરીને ધમકી દીધી

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા અને દુધ વેચાણનો વ્યવસાય કરતા એક યુવાને પોતાના મિત્ર સામે વિશ્વાસઘાત, મારામારી, ધમકી અને રોકડ રકમ બળજબરીથી પડાવી લેવાની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી સલેમાન યુસુફભાઈ ખુરેશી (ઉ.વ. ૩૨)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૫ દરમિયાન મકાન ખરીદવા માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે પોતાના મિત્ર વસીમ ઉર્ફે બંટી હાજીભાઈ ખફી સાથે ચર્ચા કરી હતી. આરોપીએ દાગીના વેચવાને બદલે તેના પર ગોલ્ડ લોન કરાવવાની સલાહ આપી હતી.
તે મુજબ અંદાજે ચાર તોલા જેટલા સોનાના દાગીના ગુરુદ્વારા ચોકડી નજીક આવેલી આઈ.ટી.આઈ. શાખામાં ગીરવે મૂકીને ૧.૮૫ લાખની ગોલ્ડ લોન લેવામાં આવી હતી. ફરિયાદી દ્વારા લોનની ભરપાઈ માટે રૂ. ૧.૮૫ લાખની રકમ આરોપીને આપવામાં આવી હોવા છતાં તે રકમ બેંકમાં જમા કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીએ ગોલ્ડ લોન ભરી દાગીના છોડાવી પરત આપવાની ખાતરી આપી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં દાગીના પરત ન મળતાં ફરિયાદી દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી રહી હતી. ફરિયાદ મુજબ, ગત ૩ જૂનના રોજ સાંજે આશરે સાત વાગ્યાના સમયે સલેમાનભાઈ દુધ વેચાણ માટે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે શંકરટેકરી વિસ્તારમાં આરોપી વસીમ પોતાના મોટરસાયકલ સાથે આવી તેમને રોકી દીધા હતા. દાગીના પરત આપવાની બાબતે પૂછપરછ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝાપટ મારી હતી.

આરોપીએ દાગીનાની માંગણી કરશો તો જીવતા નહીં રહેવા દઉં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં, ચૂંટણીમાં ઉભા રહેવાના ખર્ચાનો ઉલ્લેખ કરી ફરિયાદીના ખિસ્સામાં રહેલી અંદાજે રૂ. ૪,૨૦૦ની રોકડ રકમ બળજબરીપૂર્વક કાઢી લઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે આરોપી વસીમ ઉર્ફે બંટી હાજીભાઈ ખફી સામે વિશ્વાસઘાત, મારામારી, ધમકી તથા લૂંટ સંબંધિત કલમો હેઠળ ફરીયાદ નોંધીને તપાસ આગળ ધપાવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News