↵ધ્રોલના લતીપરના યુવાને ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું
પિતાના ઠપકાથી વ્યથિત થઈ પગલુ ભર્યુ : વ્યસનના કારણે નાની ઉંમરે ફેફસાં-કિડની પણ બગડ્યા હતા
ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જેમાં દારૂના વ્યસનની લતે ચડેલા એક ૨૫ વર્ષીય આશાસ્પદ યુવાને પિતાના ઠપકાથી મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો મુજબ, લતીપર ગામની સીમમાં રહેતા ૨૫ વર્ષીય ભાર્ગવભાઈ ભાણજીભાઈ તાલપરા નામના યુવાનને દારૂ પીવાની કુટેવ હતી. આ જીવલેણ વ્યસનના કારણે નાની ઉંમરે જ તેના શરીર પર ગંભીર અસરો થઈ હતી, જેમાં તેના ફેફસાં અને કિડની ખરાબ થઈ જતાં તેની મેડિકલ સારવાર પણ ચાલી રહી હતી. યુવાન પુત્રની આવી સ્થિતિ અને વ્યસન જોઈને પિતાએ તેને દારૂ ન પીવા બાબતે ઠપકો આપ્યો હતો.
પિતાએ આપેલો આ ઠપકો ભાર્ગવભાઈને મનમાં લાગી આવ્યો હતો. જેથી ભારે પ્રવાહીત થઈને તેઓ પોતાની વાડીએ ચાલ્યા ગયા હતા. ત્યાં જઈને તેમણે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી દવાની અસર થવાના કારણે યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વ્યસનની બદીએ વધુ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.