જામનગરમાં હાઉસીંગ બોર્ડના ૧૯૭૧ આવાસ જર્જરીત, સર્વેમાં ધડાકો

  • June 05, 2026 01:10 PM 

જામનગરમાં હાઉસીંગ બોર્ડના ૧૯૭૧ આવાસ જર્જરીત, સર્વેમાં ધડાકો

ઝંળુમ્બતુ જોખમ: શહેરની સાધનાકોલોનીમાં ૧૫૮૪, રણજીતનગરમાં ૧૫૬ અને શાસ્ત્રીનગરમાં ૨૩૧ આસામીને આવાસ સલામત સ્ટેજે લઇ જવા નોટીસ

બે સ્થળે રી-ડેવલોપમેન્ટ પ્રોજેકટ મંજૂર પણ અમલવારી ગોકળગાયની ગતિએ: ગત વર્ષે ૧૫૬૦ ફલેટ જર્જરીત હોવાનું નોંધાયું હતું: અમુક આવાસ તો રહેવા લાયક ન હોય તે સ્થિતિમાં

 જામનગરમાં હાઉસીંગ બોર્ડના ૧૯૭૧ આવાસ જર્જરીત હોવાનો સર્વેમાં ધડાકો થતાં ભારે ચકચાર જાગી છે. આથી આ આવાસમાં રહેતા આસામીઓ પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે. આથી શહેરની સાધનાકોલોનીમાં ૧૫૮૪, રણજીતનગરમાં ૧૫૬ અને શાસ્ત્રીનગરમાં ૨૩૧ આસામીને આવાસ સલામત સ્ટેજે લઇ જવા નોટીસ ફટકારવામાં આવી છે. નવાઇની વાત એ છે કે, શહેરમાં બે સ્થળે રી-ડેવલોપમેન્ટ પ્રોજેકટ મંજૂર પણ અમલવારી ગોકળગાયની ગતિએ થતા અનેક સવાલ ઉઠ્યા છે. ગત વર્ષે ૧૫૬૦ ફલેટ જર્જરીત હોવાનું સર્વેમાં નોંધાયું હતું. અમુક આવાસ તો રહેવા લાયક ન હોય તે સ્થિતિમાં હોય કોઇ જીવલેણ દુઘર્ટના થશે તો જવાબદાર કોણ તે સવાલ ઉઠ્યો છે.

જામનગરમાં સાધનાકોલોની, મીગકોલોની, સદગુરૂકોલોની, શાસ્ત્રીનગર સહીતના સ્થળે ગુજરાત હાઉસીંગ બોર્ડના કુલ ૧૯૬ બ્લોકમાં ૨૩૮૮ ફલેટ આવેલા છે. ગત વર્ષે આ આવાસનો બોર્ડ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫૬૦ ફલેટ જર્જરીત હોવાનું નોંધાયું હતું.

સાધનાકોલોનીમાં આવેલા એલઆઇજી ૧૦૮ અને ૨૬૪ આવાસ યોજનાનો રી-ડેવલોપમેન્ટ પ્રોજેકટ મંજૂર થયો છે. પરંતુ તેની કામગીરી કયાં સ્ટેજમાં પહોંચી અને કયારે થશે અને જે જર્જરીત આવાસ છે તે પૈકી કેટલા આસામીઓએ રીપેરીંગ કરાવ્યું તે સળગતો સવાલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હાઉસીંગ બોર્ડ દ્વારા આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને શહેરમાં જુદા-જુદા સ્થળે આવેલા આવાસની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઉસીંગ બોર્ડના અધિકારીઓની બે ટીમ દ્વારા સપ્તાહ સુધી કરવામાં આવેલી સર્વેની કામગીરીના અંતે કુલ ૧૯૭૧ આવાસ જર્જરીત હોવાનું નોંધાતા અનેક સવાલ ઉઠ્યા છે તો આ આવાસમાં રહેતા આસામીઓ પર જોખમ ઝંળુબી રહ્યું છે. જેમાં સાધનાકોલોનીમાં  ૧૬ કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ૧૯૦૮ આવાસ આવેલા છે. તે પૈકી ૧૫૮૪ આવાસ જર્જરીત છે. જયારે રણજીતનગરમાં ૮ કોલોનીમાં આવેલા ૧૨૪૮ આવાસ પૈકી ૧૫૬ અને શાસ્ત્રીનગરમાં આવેલી ૫ કોલોનીમાં આવેલા ૩૦૩ પૈકી ૨૩૧ આવાસ જર્જરીત હોવાનું નોંધાયું છે. 

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા સર્વે કર્યા બાદ જે આવાસ જર્જરીત હતા તેના આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. આથી કેટલા આસામીઓએ રીપેરીંગ  કરાવશે અને સેઇફ સ્ટેજે લઇ જશે તે જોવાનું રહ્યું. બીજી બાજુ રાજકોટમાં કાર્યરત ગુજરાત હાઉસીંગ બોર્ડની વડી કચેરી દ્વારા જામનગરમાં જર્જરીત ગણાતી આવાસ યોજનાઓમાં મકાનનો વપરાશ બંધ કરવા વધુ એક વખત નોટીસ  દ્વારા આસામીઓને જાણ કરી છે. આ નોટીસમાં જણાવ્યાનુસાર જુની અને પ્રાથમિક દ્વષ્ટીએ જર્જરીત જણાતી હાઉસીંગ બોર્ડની આવાસ યોજનાઓમાં બોર્ડના એકટની કલમ અને પેટા નિયમો અનુસાર એકવાર મકાન-ફલેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે ત્યારબાદ મકાનની આંતરિક ભાગની જાળવણી અને દેખરેખની કામગીરી જે તે મકાન ધારકે કરવાની રહે છે. સહીયારી માલીકીની દેખરેખ અને જાળવણીની જવાબદારી લાભાર્થીઓ અને એસોસીએશનની જ રહે છે, ગુજરાત હાઉસીંગ બોર્ડની રહેતી નથી. જીડીસીઆર-૨૦૦૪ મુજબ બીલ્ડીંગ મેઇનટેનન્સ સમાયાંતરે માલીક દ્વારા કરવાનું રહે છે. બીપીએમસી અને જીપીએમસી એકટ અનુસાર સ્થાનિક સતામંડળને જો આવાસ યોજના અત્યંત જર્જરતી અને ભયજનક જણાતી હોય તો તેઓને જાણ કરી તુરંત વસવાટ બંધ કરી શકે છે, જેથી આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને દુર્ઘટના ટાળી શકાય. તદઉપરાંત જર્જરીત જણાતા આવાસ-ફલેટનો વપરાશ અને વસવાટ બંધ કરવામાં નહીં આવે તેમજ રહેણાંક આવાસમાં અનઅધિકૃત કોર્મશીયલ વપરાશથી જો કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીઓની અંગત જવાબદારી રહેશે. તેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની કોઇ જવાબદારી રહેશેે નહીં. 

વધુમાં ખાલી કરેલા કે ખાલી કરાવવાના થતા મકાનોના સામે બોર્ડના એકટમાં કોઇ વૈકલ્પીક વ્યવસ્થા તેમજ મરામત અને જાળવણીની જોગવાઇ નથી. પરંતુ જો યોજનાના ૭૫ ટકા લાભાર્થીઓ સંમત થાય તો સરકારની રી-ડેવલોપમેન્ટ પોલીસી અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે એસોસીએશનના પ્રમુખ કે જવાબદાર પ્રતિનિધિઓએ ગુજરાત હાઉસીંગ બોર્ડની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસ વર્ષો પહેલા બન્યા હોય એક જ આવાસનું એકથી વધુ વખત વેંચાણ થયું હોય તો ઘણા કીસ્સામાં આવાસ ભાડે આપવામાં આવ્યા હોય રીપેરીંગ સહીતની કામગીરીમાં ભારે અવરોધ સર્જાઇ રહ્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News